નવી દિલ્હી,
તા. 15 : પેકેટવાળા
ખાદ્ય પદાર્થો બનાવતી કંપનીએ હવે પેકેટના આગળના ભાગે તેમાં રહેલા પોષણની વિગતો જાહેર
કરવી અનિવાર્ય છે તેમ સુપ્રીમ કોર્ટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળને નિર્દેશ
આપતાં જણાવ્યું હતું તેવી વિગતો શિવસેના સાંસદ મિલિંદ દેવડાએ સોશિયલ મીડિયા મારફતે
જાહેર કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સિંગાપોરની એ ટુ ડી ન્યુટ્રી ગ્રેડ
પ્રણાલીનું અધ્યયન કરવાની ભલામણ કરનારા દેવડાએ લખ્યું હતું કે, એફએસએસઆઈને સુપ્રીમ દ્વારા મળેલા નિર્દેશથી ભારતીય ગ્રાહકોને સ્વસ્થ વિકલ્પ પસંદ કરવામાં મદદ
થશે, જેથી દેશમાં વધતી સ્થૂળતાના સંકટને રોકી શકાશે. આ સાથે દેવડાએ
કહ્યું હતું કે, સ્થૂળતાની સમસ્યા દૂર કરવા માટે બહુરાષ્ટ્રીય
કંપનીઓ દ્વારા વેચવામાં આવતા અસ્વાસ્થ્યકર ખાદ્ય પદાર્થોની સાથે જલેબી અને સમોસા જેવા
ભારતીય નાસ્તા પર પણ નિયંત્રણ જરૂરી છે. કેમ કે, તેમાં રહેલા
તેલ અને ખાંડથી સ્થૂળતા, મધુપ્રમેહ, ઉચ્ચ
રક્તચાપ જેવી જીવનશૈલી સંબંધિત બીમારોઓમાં વધારો કરવામાં મુખ્ય યોગદાન છે. નોંધનીય
છે કે, ફ્રન્ટ ઓફ પેક (એફઓપી) પોષણ લેબલ એ પેકેટવાળા ખાદ્ય પદાર્થો
પર સામેની બાજુ હોવાથી ગ્રાહકોને તેની પોષણક્ષમતા અંગે સરળતાથી સમજ આપે છે. ઉલ્લેખનીય
છે કે, સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે હાલમાં જ વિવિધ સ્થળો પર
સ્વસ્થ આહાર સંબંધી આદતોમાં વધારો કરવા હેતુ ખાંડ અને તેલ બોર્ડ બનાવવાનો પ્રસ્તાવ
આપ્યો છે.