• બુધવાર, 16 જુલાઈ, 2025

ગૌમાતાને રાષ્ટ્રીય માતાના દરજ્જાની સંતસમાજની માંગ

ભુજ, તા. 15 : સમગ્ર ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે મંગળવારે રાષ્ટ્રીય હિન્દુ સંઘ, એકલધામના મહંત દેવનાથબાપુની આગેવાની હેઠળ કચ્છભરના સંતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દસ દિવસમાં નિર્ણયની અમલવારી કરવા અન્યથા અનશન પર જવાની ચીમકી અપાઈ હતી. રાષ્ટ્રીય હિન્દુ સંઘના સ્થાપક અને એકલધામ ભરૂડિયાના મહંત દેવનાથબાપુની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવાયા મુજબ સમગ્ર દેશના હિન્દુ સંતોની માંગ રહી છે કે, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેમ છતાં સરકાર સંતોની આ માગણીને કાયમી અવગણી રહી છે. આ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતના સંતોની સાથે કચ્છના સંતોની આગેવાની હેઠળ સમસ્ત સંતો અને હિન્દુ સમાજના લોકોએ ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જાની માંગ કરી છે. વધુમાં આ પત્રમાં જણાવ્યા મુજબ અન્ય રાજ્યોમાં જો ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો મળતો હોય તો સંપૂર્ણ બહુમતીવાળા ગુજરાતમાં સરકાર આવું કદમ કેમ ન ઉઠાવી શકે, તેથી જો 10 દિવસમાં આ બાબતે નિર્ણયની અમલવારી નહીં કરાય તો કચ્છના સંતો જિલ્લા કલેક્ટર કચેરી સામે અનશન પર બેસવાની ચીમકી અપાઈ છે. આ આવેદનપત્ર આપવા કૃષ્ણનંદનબાપુ (ગરીબદાસ જાગીર), ભરતદાસજી મારાજ (વાંઢાય જાગીર), દેવશીભાઈ ભૂવા (નેર પાબુદાદા જાગીર), મહંત રમેશપુરી બાપુ (પાંકડસર જાગીર), કૈલાસપુરીબાપુ (કંડલા મહાદેવ મંદિર), આ ઉપરાંત ભરતભાઈ સંઘવી (મોદી વિકાસ મિશન, કચ્છ), ભરતભાઈ સોંદરવા (પ્રમુખ કચ્છ જિલ્લા પાંજરાપોળ), શિવજીભાઈ આહીર (કચ્છ કિસાન સંઘ), માદેવાભાઈ વીરા (સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રચારક), જગુભા (ગૌરક્ષક), નાજાભાઈ ભરવાડ (માધાપર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી), દિનેશભાઈ ડાંગર (પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ), હિરેન ભાનુશાલી (માતાના મઢ, વિહિપ), રામજીભાઈ કારા (ઉપપ્રમુખ કિસાન સંઘ, કચ્છ), રવીભાઈ આહીર (ટ્રસ્ટી ગૌસેવા સમિતિ ભુજ), અક્ષય આહીર (ઉપપ્રમુખ ગૌસેવા કચ્છ જિલ્લા બજરંગ દળ), માવજીભાઈ છાંગા (એડવોકેટ રતનાલ), દામજીભાઈ ડાંગર (તાલુકા પ્રમુખ વિહિપ) અને ભરતભાઈ મસુરિયા વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd