• બુધવાર, 16 જુલાઈ, 2025

વિન્ડિઝનો 27 રનમાં કડૂસલો : ઓસીની જીત

જમૈકા, તા. 1પ : કિંગસ્ટનમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો છે. મિચેસ સ્ટાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમને બીજા દાવમાં ટેસ્ટ ઇતિહાસના બીજા સૌથી ઓછા 27 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને પિન્ક બોલથી રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 176 રને વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી વ્હાઇટવોશ થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બનેલા મિચેલ સ્ટાર્કે 9 દડામાં 6 વિકેટ લીધી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે હેટ્રિક રચી હતી. વેસ્ટ ઇન્ડિઝના 10 ખેલાડી બે આંકડે પહોંચી શકયા ન હતા. સર્વાધિક 11 રન જસ્ટિન ગ્રીવ્સના હતા. 204 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા વિન્ડિઝ ટીમ ઓસ્ટ્રેલિયાની પેસ બેટરી સામે 14.3 ઓવરમાં 27 રનમાં ડૂલ થઇ હતી. જે વેસ્ટ ઇન્ડિઝનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2004માં આ જ મેદાન પર ઇંગ્લેન્ડ સામે 47 રનમાં વિન્ડિઝ ટીમ ઓલઆઉટ થઇ હતી. વિન્ડિઝના 7 ખેલાડી તો શૂન્ય રનમાં આઉટ થયા હતા. જે નવો રેકોર્ડ છે. વિન્ડિઝની ટોચની પ વિકેટ 7 રનમાં પડી ગઇ હતી. વેસ્ટ ઇન્ડિઝના જે સાત બેટધર ખાતા પણ ખોલાવી શકયા નહીં, તેમાં જોન કેમ્પબેલ, કેવલોન એન્ડરસન, બ્રેંડન કિંગ, કપ્તાન રોસ્ટન ચેઝ, શમાર જોસેફ, જોમેલ વારકિન અને જેડન સિલ્સ છે. જસ્ટિન ગ્રીવ્સ 11, મિકાઇલ લૂઇસ 4, શાઇ હોપ બે રન કરી આઉટ થયા હતા. મિચેલ સ્ટાર્ક પહેલી ઓવરમાં જ ત્રાટકયો હતો અને 3 વિકેટ લીધી હતી. તેણે પહેલા, પાંચમા અને આખરી દડામાં વિકેટ લીધી હતી. તેણે પોતાની 100મી ટેસ્ટમાં તરખાટ મચાવીને ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત જીત અપાવી હતી. તેણે માત્ર 1પ દડામાં પાંચ વિકેટ ખેરવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કુલ 6 વિકેટ લીધી હતી. સ્ટાર્કે ટેસ્ટ કેરિયરની 400 વિકેટ પણ પૂરી કરી હતી. સ્કોટ બોલેંડને 3 અને હેઝલવૂડને 1 વિકેટ મળી હતી. બોલેંડ હેટ્રિક લેનારો ઓસ્ટ્રેલિયાનો 10મો બોલર બન્યો છે. આ પહેલા આજે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 121 રને સમાપ્ત થયો હતો. આથી વિન્ડિઝને 204 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. અલ્જારી જોસેફને પ અને શમાર જોસેફને 4 વિકેટ મળી હતી. પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાના 22પ રન થયા હતા. જવાબમાં વિન્ડિઝના 143 રન થયા હતા.

Panchang

dd