• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

ભુજમાં માર્ગ ઓળંગતા મહિલાને અજાણ્યા વાહને હડફેટે લેતાં મોત

ગાંધીધામ, તા. 30 : ભુજના સ્ટેશન રોડ પર આજે વહેલી સવારે માર્ગ ઓળંગતા પ્રભાબેન લાલજી પુરબિયા (ઉ.વ. 45)ને અજાણ્યા વાહનચાલકે હડફેટમાં લેતાં આ સફાઇકર્મી મહિલાનું મોત થયું હતું. બીજીબાજુ અબડાસાના વિંગાબેરમાં હીનાબેન ગોપાલ નાયક (ઉ.વ. 14) નામની કિશોરીએ દવા પી લઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ગાંધીધામમાં આવેલી ખાનગી કંપનીમાં ઉપરથી નીચે પટકાતાં રવિ રસિક મોરિયા (ઉ.વ. 34) નામના યુવાનનો જીવ ગયો હતો. ભુજના સ્ટેશન રોડ વાલ્મીકિવાસ જૂની રવિ ટોકિઝ સામે રહેનાર પ્રભાબેન નામના મહિલાનું આજે સવારે મોત થયું હતું. ભુજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરનાર આ સફાઇકર્મી મહિલા આજે વહેલી સવારે કામ ઉપર જવા નીકળ્યા હતા. મહિલા સ્ટેશન રોડ વી.કે. સ્ટેશનરી દુકાન પાસે માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે તીવ્ર ગતિએ જઇ રહેલા દ્વિચક્રી વાહને તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. મહિલાને પ્રથમ ઘરે અને બાદમાં સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાતાં તેમણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ભુજમાં જીવલેણ અકસ્માતનો ફરીથી બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી હતી. હિટ એન્ડ રનના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અપમૃત્યુનો એક બનાવ વિંગાબેરમાં બન્યો હતો. અહીં ભીખાભાઇની વાડીએ રહેનાર હીના નામની કિશોરીએ અગાઉ જંતુનાશક દવા પી લીધી હતી. તેને પ્રથમ નલિયા અને બાદમાં વધુ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લાશ્વાસ લીધા હતા. બનાવનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ ગાંધીધામની એવરેસ્ટ કાંટો સિલિન્ડર કંપનીમાં તા. 29/12ના બન્યો હતો. અહીં કામ કરનાર રવિ મોરિયા કંપનીમાં કામ કરી રહ્યો હતો દરમ્યાન ઉપરથી નીચે પટકાતાં તેને જીવ ખોવાનો વારો આવ્યો હતો. ફરી એકવાર ઔદ્યોગિક સંકુલોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd