• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

ગોધરામાં યુવતીની પ્રેમી દ્વારા ઘાતકી હત્યા

ગાંધીધામ, તા. 30 : માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી વ્યવસાયે આરોગ્ય વિભાગમાં પરિચારિકા તરીકે બજાવતી ગૌરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ. 28) નામની યુવતી ઉપર તેના પ્રેમી એવા કોડાયના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવ એકતરફી પ્રેમના અનુસંધાને બન્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે. હત્યાના બનાવ અંગે યુવતીના ભાઈ દીપકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નાના એવા ગોધરા ગામમાં વહેલી પરોઢે બનેલા આ બનાવથી ભારે ચકચાર પ્રસર્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા ઈન્ચાજ પીઆઈ ડી.એમ. ઝાલા સહિતના  અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરવા સાથે ટેકનિકલ તથા માનવીય સંદર્ભોની મમદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો અને કૃત્ય આચર્યા બાદ ઝેરી દવા પીનારો આરોપી સાગર હાલ સારવાર તળે છે. તે  અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતો હતો તેવું પણ તપાસમાં બહાર આવ્યું હતું. અમારા માંડવીના પ્રતિનિધિ જયેશ શાહના જણાવ્યા મુજબ, ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતી હતી. અગાઉ આ યુવતી ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી. પોતાની ફરજ ઉપર તુંબડી જવા માટે આ યુવતી દરરોજ વહેલી સવારે 5-30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં બેસીને તુંબડી પહોંચતી હતી. ગઇકાલે રવિવાર હોવાથી યુવતી ઘરે હતી. આજે વહેલી પરોઢે આ યુવતી કામે જવા માટે પોતાના ઘરથી 100 મીટર દૂર ગોધરાથી દુર્ગાપુર જતા રસ્તે બસની રાહ જોઇને ઊભી હતી. દરમ્યાન ત્યાં આવેલા સાગરે આ યુવતીને ગુપ્તી અને તલવાર તથા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઇ તેની હત્યા નીપજાવી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો. તેમજ માથાંના ભાગે તલવાર મૂકી ગયો હતો. ગંભીર ઇજાઓનાં પગલે આ યુવતીએ બનાવ સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. પાંચ બહેનો પૈકી સૌથી નાની અને બે ભાઇઓની બહેન એમ આ યુવતીની હત્યાથી ગામમાં ભારે ગમગીની પ્રસરી હતી. ગામના સરપંચ વર્ષાબેને બનાવને દુ:ખદ ગણાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સરપંચ ઉપરાંત પ્રવીણભાઈ, અરવિંદભાઈ, દીપકભાઈ, નરેનભાઈ સોની સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી બાજુ અગાઉ ગ્રામસભામાં ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાની ચર્ચા થઈ હતી, જે બાબતે કોઈ નિર્ણય ન આવ્યો હોવાનો ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળામાં ગણગણાટ થતો હતો. આ કામગીરીમાં માંડવી પીઆઈ શ્રી ઝાલા ઉપરાંત માંડવી અને કોડાય પોલીસ મથકના કર્મચારીઓ, સ્થાનિક ગુનાશોધક શાખા, એસઓજી, પેરોલ ફર્લો શાખા, ડોગ સ્કવોડ સહિતના અધિકારી-કર્મચારી જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd