• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

ભુજમાં હત્યાના પ્રયાસના ચકચારી કેસમાં સહોદરને સાત વર્ષની કેદ

ભુજ, તા. 6 : શહેરમાં જમીન આપવા બાબતે ધાકધમકી બાદ કરાયેલી ફરિયાદનું મનદુ:ખ રાખી હત્યાના પ્રયાસરૂપે કરાયેલા હુમલાના 2021ના કેસમાં સેશન્સ અદાલતે બે સગા ભાઈ ઈખ્તિયાર પઠાણ અને કરીમખાન પઠાણને સાત વર્ષની કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની ફરિયાદમાં દર્શાવાયેલા બે અજાણ્યા આરોપી હજુ ઝડપાયા નથી. ભુજના સંજયનગરીમાં રહેતા ફરિયાદી અમજદ ઓસમાણ લુહાર પોતાના ઘરે હતો, ત્યારે તેનો સાઢુભાઈ ઈમરાન ઓસમાણ ચૌહાણ આવ્યો હતો. બંને વાતો કરતા હતા દરમિયાન બંને આરોપી ભાઈ છરી સહિતના હથિયારો લઈને ત્યાં આવ્યા હતા. તેમની સાથે બે અજાણ્યા ઈસમ પણ હતા. ઈખ્તિયારે અમઝદના ઘરની બાજુમાં આવેલો પ્લોટ ખાલી કરવા જણાવ્યું હતું, જ્યારે સાથે આવેલા સાગરીતોએ મારી નાખવાનું કહેતાં કલીમખાને પાઈપ ફટકાર્યો હતો. ફરીથી પાઈપ મારવા જતાં સાઢુભાઈ વચ્ચે પડયો હતો, જેને ઈખ્તિયારે છરી મારી હતી. હુમલો કર્યા બાદ પ્લોટ ખાલી કરી નાખજો નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતા. આ કેસમાં જિલ્લા અદાલતે 20 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તપાસીને બંને આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા અને સાત વર્ષની કેદની સજા તેમજ દરેક આરોપીને 10 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી તથા મૂળ ફરિયાદ પક્ષે કે.પી. ગઢવી, ભાવિકા ભાનુશાલી, પ્રિયા આહીર અને જયદીપ કનોજિયા હાજર રહ્યા હતા. બનાવ સંદર્ભે તત્કાલીન પીઆઈ શ્રી ગોજિયાએ તપાસ હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd