ગાંધીધામ, તા. 6 : શહેરની
મુખ્ય બજારમાં ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સ (ઇડી)ના નકલી અધિકારીઓ બનીને આવેલી ટોળકીને
આજે સવારે કોર્ટમાં રજૂ કરાતાં આ ટોળકીના
11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓને સાથે રાખીને જ્વેલર્સ પેઢી, બસ
સ્ટેન્ડ વિસ્તાર તથા ભોગ બનનારના ઘરે બનાવનું પુનરાવર્તન પોલીસે કરાવ્યું હતું. આરોપીઓને
જોવા લોકોનું ટોળું એકઠું થયું હતું. શહેરની મુખ્ય બજાર-સોની બજારમાં આવેલી રાધિકા
જ્વેલર્સ નામની દુકાનમાં તથા ફરિયાદીનાં મકાનમાં નકલી ઇડીના અધિકારીઓએ દરોડો પાડી બાદમાં
રૂા. 25,25,225ની મતા સિફતપૂર્વક સેરવી લીધી હતી. બનાવ અંગે કનૈયા પ્રતાપ ઠક્કરે પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દશેક ટીમો બનાવીને
અમદાવાદ, ભુજ અને ગાંધીધામથી ભરત મોરવાડિયા, દેવાયત ખાચર, અબ્દુલ સતાર ઇશાક માંજોઠી,
હિતેશ ચત્રભુજ ઠક્કર, વિનોદ ચૂડાસમા (મોચી), ઇયુઝીન ડેવિડ (ક્રિશ્ચિયન), આશિષ મિશ્રા,
ચંદ્રરાજ નાયર, અજય દુબે, અમિત મહેતા, નકલી ઇડીનો અધિકારી બનનાર રેલવેકર્મી શૈલેન્દ્ર
અનિલ દેસાઇ, નિશા અમિત મહેતાને પકડી પાડયા હતા. પકડાયેલી ટોળકી પૈકી અબ્દુલ સતાર વિરુદ્ધ
અગાઉ જામનગરના પંચકોશી પોલીસ મથકે ખંડણી સાથે હત્યા અને ભુજ સિટી પોલીસ મથકે હત્યાની
કોશિશનો ગુનો નોંધાયેલો છે. આ ટોળકીએ
અન્ય કોઇ જગ્યાએ નકલી ઇડી બનીને આવા કારસ્તાનને અંજામ આપ્યો છે કે કેમ ? અન્ય કોઇ ગુના તેમના વિરુદ્ધ નોંધાયેલા છે કે કેમ તથા આ?ટોળકીમાં હજુ
કોઇ છે કે કેમ ? તે સહિતની વિગતો માટે આ ટોળકીને 14 દિવસના રિમાન્ડની
માંગ સાથે આજે સવારે કોર્ટમાં રજૂ કરાયા હતા,
જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ટોળકીના તા. 17/12 સુધી 11 દિવસના રિમાન્ડ
મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીના સાગરીતોને શહેરના બસ સ્ટેન્ડ
તથા જ્વેલર પેઢીમાં અને ફરિયાદીના ઘરે લઇ જવામાં આવ્યા હતા જ્યાં નકલી ઇડીના અધિકારી એવા રેલવે કર્મીએ ફરિયાદી અને તેમના
પરિવારજનો સાથે કેવી રીતે નકલી ઇડીના અધિકારી બનીને ઢોંગ કર્યો હતો તેનું પુનરાવર્તન
કરાવાયું હતું તેમજ દુકાનમાં કોણ-કોણ રોકાયા હતા, ઘરે કોણ ગયા હતા ? મહિલા અને તેનો
સાથી પાછળથી કેવી રીતે આવ્યા તે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ આ ટોળકીને જોવા લોકોનું ટોળું એકઠું થયું હતું.