ભુજ/ગાંધીધામ, તા. 21 : મુંદરા તાલુકાના ધ્રબના ગોદામમાં લોખંડનો
વજનદાર દરવાજો માથેથી 17 વર્ષના તરુણ મંજીત નાથુન પાસવાન (મૂળ બિહાર) ઉપર પડતાં તેનું
કરુણ મોત નીપજ્યું હતું. અંજાર તાલુકાના નગાવલાડિયા નજીક આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી
બાઇક ભટકાતાં ગાંધીધામના રણજિતસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ. 45) નામના યુવાનનું મોત થયું
હતું. ધ્રબના જીઆઇડીસી ગોદામમાં મૂળ પટના-બિહાર બાજુના હાલે ધ્રબ રહેતા 17 વર્ષના મંજીત પાસવાન ગઇકાલે સાંજે કામે ગયો હતો, ત્યારે ગોદામનો લોખંડનો મોટો
વજનદાર દરવાજો ખસેડી બંધ કરતા હતા, ત્યારે આ દરવાજો ઉપરથી પડતાં મંજીત પર પડયો હતો.
આથી ભારેખમ દરવાજા તળે મંજીત દબાઇ જતાં ગંભીર રીતે ઘાયલ થઇ તેનું કરુણ મોત નીપજ્યું
હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગાંધીધામમાં
રહી અદાણીમાં ખાનગી નોકરી કરનાર રણજિતસિંહ નામનો યુવાન ગત તા. 16/11ના સાંજે ગાંધીધામથી
મુંદરા બાજુ જવા નીકળ્યો હતો. તે બાઇક નંબર જી.જે. 12 ડીક્યુ-0568 લઇને નગાવલાડિયા
ક્રિષ્ના હોટેલ નજીક પહોંચ્યો હતો, ત્યારે રોડની વચ્ચો વચ્ચ સિગ્નલ આપ્યા વગર કે આડશ
કે રિફ્લેક્ટર મૂક્યા વગર અહીં ઊભેલી ટ્રક નંબર જી.જે. 12 બી.એક્સ.-5249માં બાઇક ભટકાતાં
આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેને સારવાર અર્થે આદિપુર લઇ જવાતાં સારવાર કારગત
નીવડે તે પહેલાં આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. ટ્રકચાલક વિરુદ્ધ વનરાજસિંહ નવલસિંહ
જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.