ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના વરસામેડીમાં મકાનની બેંક
લોન ચાલુ હોવા છતાં એક મહિલાને મકાન વેચી બેંકના હપ્તા ન ભરી છેતરપિંડી કરવાના બનાવ
અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ-1માં રહેનાર પ્રીતિબેન
વિનીત અરોરાએ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને બીજા મકાનની જરૂરિયાત
હોવાથી નવા મકાનની શોધખોળ કરતા હતા તેવામાં આ જ સોસાયટીમાં મકાન નંબર 113માં રહેનાર
આરોપી અંજલિકૌર વીરેન્દ્રસિંહ લધાના સાથે તેમનો સંપર્ક થયો હતો. આ મહિલાને મકાન વેચવું
હોવાથી બંને વચ્ચે વાત થયા બાદ રૂા. 10,80,000માં મકાનનો સોદો નક્કી થયો હતો જે પેટે
ફરિયાદીએ આ મહિલાને રૂા. 2,80,000 આપી બીજી સેન્ટ્રલ બેંક ઓફ?ઇન્ડિયામાંથી લોન કરાવી
બાકીની રકમનો ચેક આપી દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા હતા. આ મકાનનું રિનોવેશન ચાલુ હતું
ત્યારે રાજકોટ એચ.ડી.એફ.સી. બેંકમાંથી પ્રદીપ પંચુચરન પાલના નામે નોટિસ આવી હતી. આ
શખ્સે બેંકમાંથી આ મકાનની લોન લઇ રૂા. 11,56,000 ભર્યા નહોતા. આરોપી અંજલિકૌરએ પ્રદીપ
પાસેથી મકાન વેચાતું લઇ તેની બાકીની લોનની ભરપાઇ?કર્યા વગર ફરિયાદી મહિલાને મકાન વેચી
તેમની સાથે છેતરપિંડી કરી હતી. દરમ્યાન, એક મકાન ઉપર અગાઉથી લોન ચાલુ હોવા છતાં સેન્ટ્રલ
બેંકે લોન મંજૂર કરતાં આર.બી.આઇ.માં પણ જાણ કરવામાં
આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ?ધરી છે.