• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

`લવજેહાદ' કેસમાં આરોપી પૂનાથી દબોચાયો : રિમાન્ડ માટે તજવીજ

ભુજ, તા. 18 : મુંબઈથી કચ્છ સુધી જોડાયેલા `લવ જેહાદ' જેવા પ્રકરણમાં પોલીસે આરોપી જિયાદ લતીબ શેખને પૂના ખાતેથી ઝડપી પાડયો હતો. ધરપકડ બાદ  રિમાન્ડ મેળવી અને આ કેસને સંલગ્ન કડીઓ જોડવા પોલીસે વ્યાયામ આદર્યો છે. ઓનલાઈન ગેમ રમતાં જિગર નામની આઈડી ધરાવતા આરોપીના પરિચયમાં આવ્યા બાદ તે જિગર નહીં પણ જિયાદ હોવાનું યુવતીને માલૂમ પડયું હતું.  ત્યાર બાદ આ સમગ્ર મામલો લવ જેહાદ જેવો હોવાનું અનુભવાતાં અંતે ભોગ બનનારી યુવતીએ વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી. આ પછીના ઘટનાક્રમમાં પોલીસે ઝડપભેર પગલાં ભરતાં જિયાદને મહારાષ્ટ્રના પૂના ખાતેથી ઝડપી પાડયો હતો. દરમિયાન, શુક્રવારે નાયબ પોલીસ અધીક્ષક એમ. જે. ક્રિશ્ચિયને આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે તથા તેને કોઈએ મદદગારી કરી છે કે કેમ તે સહિતનાં પાસાં ઉજાગર થવાની ધારણા સેવાઈ રહી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. તે ઉપરાંત અન્ય કોઈ યુવતી સાથે પણ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તેની પણ પૂછપરછ રિમાન્ડ દરમિયાન હાથ ધરાશે તેવું પણ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેની પર સૌની મીટ મંડાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang