પાટણ, તા.
1 (પ્રતિનિધિ) : હારીજ-ચાણસ્મા હાઇવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઈકો કાર અને ટેન્કર
વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની સાથે આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બન્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાઓમાં ત્રણ મહિલા, ત્રણ બાળક
અને બે પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પૈકી ત્રણ બાળકની હાલત નાજુક હોવાનું
પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ હારીજ પોલીસને થતાં તેમણે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ
તપાસ હાથ ધરી છે. આ બનાવની કરુણાંતિકા એવી છે કે, મૃતક તોરલબાને પાંચ માસનો ગર્ભ હતો.
મળતી માહિતી મુજબ મૃતક નવલાસિંહ કે. રાઠોડ ભુજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી
છ વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા અને રવિવારે પોતાના પરિવાર સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન
કરવા માટે પોતાની ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. ભુજ તેમજ માતાના મઢના દર્શન કરી મંગળવારે
પરત ફરી રહ્યા હતા, ત્યારે હારીજ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ટેન્કર વચ્ચે તેઓની ઇકો કારનો
અકસ્માત સર્જાતાં પરિવારના મોભી સહિત પુત્ર અને પુત્રવધૂનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે
અન્ય આઠ સભ્ય ઈજાગ્રસ્ત બનતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ચાર
લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તોરલબા રવીન્દ્રાસિંહ
રાઠોડને પાંચ માસનો ગર્ભ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. ધારપુર હોસ્પિટલમાં
આરએમઓ રમેશભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ બાળકને જનતા હોસ્પિટલમાં
રિફર કરવામાં આવ્યાં છે અને અન્ય લોકોને હિંમતનગર લઈ જવામાં આવશે. આ ગમખ્વાર અકસ્માતની
જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલને
થતાં તેઓ તાત્કાલિક જનતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક
સારવાર મળી રહે એ માટે ડોક્ટરોને ભલામણ કરી ઈજાગ્રસ્ત પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ
બની સાંત્વના પાઠવી હતી. ઇકો પાછળથી ટેન્કરમાં ઘૂસી ગયાના આ બનાવ અંગે હારીજ પોલીસ
સ્ટેશનના પી.આઈ. નીરવ શાહના જણાવ્યા મુજબ ટેન્કર મહેસાણા તરફ જઈ રહ્યું હતું, ત્યારે
માતાના મઢ તરફથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતાં ઈકો ગાડી
રોડ સાઈડની ચોકડીઓમાં પલટાઈ જતાં આ ગોઝારી ઘટના સર્જાઇ હતી. પોસ્ટમોર્ટમ હારીજ હોસ્પિટલ
ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણેય મૃતક એક જ પરિવારના હતા, જેમાં નવલાસિંહ કે. રાઠોડ
(પિતા) અને તેના પુત્ર રવીન્દ્રાસિંહ નવલાસિંહ અને પુત્રવધૂ તોરલબાનો સમાવેશ થાય છે,
જ્યારે હીનાબા જયપાલાસિંહ રાઠોડ, હિરલબેન રાજેન્દ્રાસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ નવલાસિંહ
રાઠોડ, જિમ્મીરાજ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, વિશ્વજિત રવિરાજ રાઠોડ, નિકુલાસિંહ દશરથાસિંહ
પરમાર, ચંદ્રિકાબા નિકુલાસિંહ પરમાર, સત્યજિત નિકુલાસિંહ પરમારનો સમાવેશ થાય છે. મૃતક
અને ઇજાગ્રસ્ત લોકો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાબસો ગામના હતા.