• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

મુંદરાના ત્રણ વર્ષ જૂના હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ભુજ, તા. 5 : ત્રણેક વર્ષ પૂર્વે મુંદરાની ધ્રબ સીમમાં કૌટુંબિક તકરાર-આડા સંબંધના વહેમમાં હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે, જ્યારે અંજારના ખૂન કેસમાં આરોપીના જામીન મંજૂર થયા છે. ગત તા. 28/12/21ના રાતે બોરાણા સર્કલથી આગળ ધ્રબની સીમમાં આરોપી દિવેન હીરજી ડોરુએ કૌટુંબિક તકરાર તથા આડા સંબંધના વહેમમાં પ્રવીણ ઉર્ફે પ્રેમ કરશન થારૂને ગળા-છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા નીપજાવ્યાનો ગુનો નોંધાયો હતો. આ બાદ આરોપીની અટક કરી ચાર્જશીટ કરવામાં આવતાં આ કેસ અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી 23 સાહેદના મૌખિક પુરાવા તેમજ 22 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ બંને પક્ષકારની દલીલોના અંતે કોર્ટે આરોપી દિવેન હીરજી ડોરુને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓ તરફે વકીલ એમ. એ. ખોજા અને જુનિયર એડવોકેટ એસ. જી. માંજોઠી, કે. આઇ. સમા, આઇ. એ. કુંભાર, વી. કે. સાંધ, ડી. સી. ઠક્કર હાજર રહ્યા હતા. અંજાર તાલુકાના મેઘપર (કું.)માં ગત તા. 12/2/24ના બપોરે આરોપી રામજી જીવા દેવીપૂજક (મેઘપર)એ મૃતક રાજુ રવાભાઇ?દેવીપૂજક સાથે બોલાચાલી ઝઘડો કરી લાકડાં-ધોકા તથા ચાકુ વડે રાજુની હત્યા નીપજાવ્યાની અંજાર પોલીસમાં ફરિયાદ જે તે સમયે નોંધાઇ હતી. આરોપી રામજી જીવાભાઇ વડેચા (દેવીપૂજક)એ અંજારના બીજા અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં શરતોને આધીન તેને જામીન પર મુક્ત કરવા કોર્ટે હુકમ ફરમાવ્યો છે. આ કેસ કામે એડવોકેટ તરીકે હેતલકુમાર જે. સોનપાર, કમલેશકુમાર કે. માતંગ અને ટીમ હાજર રહી હતી. - મહાવ્યથાના ગુનામાં આરોપીઓ નિર્દોષ : 2021માં અવધનગર શેખપીર ચોકડી પાસે હોટેલ ચાલુ કરવાના મનદુ:ખમાં આરોપીઓએ એકસંપ કરી નારાણ ધનજી બરાડિયાને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડી માથાં તથા હાથમાં ગંભીર ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા બાબતની ફરિયાદ અરૂણ હીરજી ગરવા તથા ધનજી હીરજી ગરવા વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપીઓના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, ખુશાલ મહેશ્વરી, જય કટુઆ, નિરંજન સાધુ હાજર રહ્યા હતા. - ફરાદી : વારસાઇ નોંધની અપીલ નામંજૂર : વાદી જાડેજા ગજેન્દ્રસિંહ મુરવાજીએ ફરાદી (તા. મુંદરા)ના રે. સર્વે નં. 327 અને 330વાળી જમીન બાબતે સામાવાળા કુસુમ અરૂણ ઠક્કર વિરુદ્ધ નાયબ કલેક્ટર મુંદરા સમક્ષ વારસાઇ નોંધ નં. 6903વાળી સામે અપીલ દાખલ કરવામાં આવી હતી, જે કેસ ચાલી જતાં નાયબ કલેક્ટર મુંદરાએ એપેલેન્ટની અપીલ નામંજૂર કરવાનો હુકમ કરી અને સામાવાળાની વારસાઇ નોંધ?નં. 6903વાળી કાયમ રાખવાનો હુકમ ફરમાવ્યો છે જેમાં સમગ્ર અપીલ (કેસ)માં સામાવાળાના વકીલ તરીકે કરશન કે. ગઢવી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang