• સોમવાર, 23 નવેમ્બર, 2026

નિર્ણયની નિંદા ભલે કરો, બંધારણીય સંસ્થાની નહીં : સીજેઆઈ

નવી દિલ્હી, તા. 22 : દેશમાં ચૂંટણીપંચ, યુપીએસસી જેવી બંધારણીય સંસ્થાઓ સામે સીધી આંગળી ચીંધતાં વિરોધ કરનારાઓ સવાલો ઉઠાવતા રહે છે, ત્યારે એક ધ્યાન ખેંચતી શિખામણમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, લોકતંત્રમાં બંધારણીય સંસ્થાઓના નિર્ણયોની ટીકા કે વિરોધ કરવાનો લોકોને પૂરો અધિકાર છે, પરંતુ સંસ્થાઓ પર સીધું નિશાન સાધવું અયોગ્ય છે.  ધર્મશાલામાં હિમાચલપ્રદેશ યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, લોકો ઘણીવાર સંસ્થાના નિર્ણય અને સંસ્થા વચ્ચેનું અંતર નક્કી નથી કરી શકતા. બંધારણ હેઠળ રચાયેલી અને સક્રિય સંસ્થાઓની વિવેક વિના ટીકા કરવાની માનસિકતાથી લોકતંત્રને મજબૂત કરતી આવી સંસ્થાઓ પર સામાન્ય નાગરિકોનો વિશ્વાસ કમજોર પાડવાનું જોખમ વધી જાય છે તેવું મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું. લોકતાંત્રિક વ્યવસ્થામાં સંવૈધાનિક સંસ્થાઓનાં મહત્ત્વ પર ચર્ચા કરતાં સીજેઆઈ બોલ્યા હતા કે, લોકશાહીમાં કોઈ ફેંસલા સાથે અસહમતી અને આલોચનાને સ્થાન છે, પરંતુ કોઈ નિર્ણયના આધાર પર આખી સંસ્થાને નિશાન બનાવવી યોગ્ય નથી.તેમણે કહ્યું હતું કે, કોઈ ફેંસલા સાથે અસહમતી અને તે નિર્ણય લેનારી સંસ્થા ઉપર સવાલ ઉઠાવવો, બન્ને અલગ બાબત છે. સીજેઆઈ સૂર્યકાંત આજે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધતાં આવું બોલ્યા હતા. કાર્યક્રમ દરમિયાન છાત્રો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, લોકો અવાર-નવાર કોઈ નિર્ણય અને તેને લેનારી સંસ્થનો ફર્ક નથી કરી શકતા, આવું કરવાથી તે સંસ્થાઓ ઉપર લોકોનો ભરોસો કમજોર થઈ શકે છે, જે લોકતંત્રને ચલાવવા માટે જરૂરી છે. દીક્ષાંત સમારોહમાં સીજેઆઈ સૂર્યકાંતે છાત્રોને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. તેમણે હિમાલયના પહાડોનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, મંજિલ સુધી પહોંચવાનો માર્ગ કાયમ સીધો નથી હોતો, તેથી લક્ષ્ય પામવા માટે ધીરજ જરૂરી છે. કોઈ વ્યક્તિ એકલો પહાડ નથી ચઢી શકતો. એવી જ રીતે જીવનમાં આગળ વધવા માટે પણ બીજાનો સાથ અને સહયોગ જરૂરી હોય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd