ગાંધીધામ, તા. 22 : અહીંના મીઠીરોહરની સીમમાં આવેલી
એક ઓફિસમાં પોલીસે છાપો મારી રૂા. 1,77,400ના હેરોઈન સાથે શખ્સને પકડી પાડયો હતો, પરંતુ આ માદક પદાર્થ ક્યાંથી આવ્યો હતો તે બહાર
આવ્યું નથી. મીઠીરોહર નજીક ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ નજીક રાધે કોમ્પ્લેક્સમાં બીજા
માળે આવેલી ઓફિસ નંબર 205માં માદક
પદાર્થ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. એરોવ ટ્રેડિંગ
પ્રા.લિ. લખેલ આ ઓફિસમાં હાજર મૂળ હરિયાણા, ભવાનીના રાજેશ જાગેરામ ચૌધરીને પકડી પાડવામાં આવ્યો હતો. ઓફિસમાં આવેલી ટેબલનાં
ખાનાંમાં તપાસ કરતાં તેમાંથી ઝિપવાળી થેલીમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ માદક
પદાર્થ પકડાયેલો શખ્સ છૂટકમાં ગ્રાહકોને વેચતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ.
અધિકારીને બોલાવી ખરાઈ કરાવતાં આ પદાર્થ હેરોઈન હોવાનું બહાર આવ્યું છે.આ શખ્સ પાસેથી
રૂા.1,77,400નું 8.87 ગ્રામ હેરોઈન, એક ડિજિટલ વજનકાંટો, મોબાઈલ
વગેરે મળીને કુલ રૂા. 1,87,500નો
મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ શખ્સને માદક પદાર્થ કોણે આપ્યો? કે તે અન્ય રાજ્યમાં જઈને કોની પાસેથી લાવ્યો
હતો? તે સહિતની વિગતો બહાર આવી નથી, જેની
આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.