• સોમવાર, 23 નવેમ્બર, 2026

કચ્છભરમાં હવે લગ્નની મોસમ ખીલી ઊઠશે

ભુજ, તા. 22 : ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. આદિકાળથી ભગવાનના લગ્ન બાદ સંસારી જીવોના ઘરે લગ્નપ્રસંગો લેવાતા હોવાની પરંપરા સાથે કચ્છભરમાં હવે લગ્નની મોસમ ખીલી ઊઠશે. આ તકે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કપિલદાસજીએ જણાવ્યું હતું કે,  દિવાળી પર્વ બાદ આવતી એકદાશી દેવઊઠી એકાદશી તરીકે ઊજવાય છે. આ દિવસે ભગવાન નિદ્રામાંથી જાગતા હોય છે. તેમના જાગવાની સાથે જ વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થાય છે. તુલસીવિવાહનો ઉત્સવ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઊજવવામાં આવતો હોઈ આ તમામ મંદિરોમાં એકાદશી બાદ ક્રમશ: પૂનમ સુધી તુલસીવિવાહને ધાર્મિકવિધિપૂર્વક ઊજવવામાં આવે છે. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવત્ જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કોઠારી સંત દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી નારાયણમુનિદાસજી, દેવવિહારીદાસજી આદિ સંતોના આશીર્વાદથી તુલસીવિવાહ મહોત્સવના વરપક્ષે ઠાકોરજીના યજમાન તરીકે કૈલાસભાઈ પઢારિયા તેમજ કન્યા પક્ષે તુલસીજીના યજમાન તરીકે માધાપરના રમીલાબેન નીતિનભાઈ ઠક્કર પરિવારે લાભ લીધો હતો. મંદિર પરિસરમાં લગ્ન મંડપ તૈયાર કરાયો હતો. સવારે પૂજન, માંડવો, ગૃહશાંતિ, સાંજે વરઘોડો અને હસ્તમેળાપ પ્રસંગ ઊજવાયા હતા. વર પક્ષ અને કન્યા પક્ષ બંને યજમાનોનાં ઘરે સંતો અને ઠાકોરજીની પધરામણી બાદ સાંજે લાલન કોલેજ પાસેથી ઠાકોરની વાજતે-ગાજતે નગરયાત્રા નીકળી હતી. જે સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી, જ્યાં ભૂદેવોએ શાત્રોકતવિધિ પ્રમાણે ઠાકોરજીના લગ્ન વિધિવિધાન સાથે યજમાનો કન્યાદાન અને મંડપ ફેરા સમયે બંને પક્ષના બહેનો-ભાઈઓએ લગ્નગીતો અને ફટાણાના સૂરો લહેરાવ્યા હતા. ભાવિકો પ્રસંગોમાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કચ્છ નરનારાયણ દેવ યુવક - યુવતી અને મહિલા મંડળે સંભાળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd