• સોમવાર, 23 નવેમ્બર, 2026

રણોત્સવ અને ઠંડીના જામતા માહોલ વચ્ચે કચ્છી હસ્તકલા ધમધમી

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 22 : કચ્છમાં શિયાળાની ઠંડીની શરૂઆત અને રણોત્સવના માહોલ વચ્ચે પરંપરાગત હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોના ઘરે-આંગણે પ્રવાસીઓની અવરજવર ફરી વેગ પકડી રહી છે. હસ્તકલાના પંચતીર્થ ગણાતા નિરોણા, અજરખ પ્રિન્ટ માટે જાણીતા અજરખપુર તેમજ વણાટકળા માટે વિશ્વભરમાં નામના ધરાવતા ભુજોડી સહિતનાં ગામોમાં કારીગરો વેકેશન અને રણ ઉત્સવની શરૂઆતથી જ પ્રવાસીઓને આવકારવામાં વ્યસ્ત બન્યા છે. આ ઉત્સાહની વચ્ચે સસ્તા મશીન ક્રાફ્ટની વધતી હાજરી અને સરકારી હાટની સ્થિતિ અંગે કારીગરોમાં ચિંતા અને નારાજગી પણ જોવા મળી રહી છે. મશીન બનાવટના ક્રાફટથી પરંપરાગત બજારને નુકસાન કારીગરોના જણાવ્યા અનુસાર, હાલ કચ્છમાં આવતા ઘણા પ્રવાસીઓને પરંપરાગત કળાની કિંમત વધુ લાગતી હોવાથી ખરીદી કરવાને બદલે માત્ર જોવાનું વધુ પસંદ કરે છે. બીજી તરફ, ઓછાં મૂલ્યમાં વસ્તુઓ મળી રહે તેવા હેતુથી કેટલાક વેપારીઓ અને કારીગરો દ્વારા મશીન બનાવટના ક્રાફ્ટનું વેચાણ શરૂ કરાયું છે, જે સહેલાણીઓ કળાની કદર કરવાને બદલે માત્ર શોખ કે સસ્તા વિકલ્પ માટે ખરીદી કરે છે, તેનાથી મૂળ પરંપરાગત બજારને નુકસાન પહોંચે છે. જો કે, કારીગરોનો મત છે કે, ડિસેમ્બરમાં નાતાલના વેકેશન દરમિયાન આવતા વિદેશી પ્રવાસીઓ કળાને સમજીને, માણીને અને સાચાં મૂલ્યે ખરીદનારા હોય છે, જેમની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. - વિદેશી મહિલાઓએ ભરતકળા શીખી : ગામડાંઓમાં કળા અને સંસ્કૃતિના આદાન-પ્રદાનના સકારાત્મક દૃશ્યો પણ જોવા મળી રહ્યાં છે. સુમરાસરના એપ્લિક અને સૂફ ભરત કારીગર ગીતાબેન ભાનાણીનાં ઘરે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી 15 મહિલાના જૂથે મહેમાનગતિ માણી હતી અને સૂફ ભરતકળા પણ શીખી હતી. ગામમાં કાર્યરત કલા રક્ષા વિદ્યાલય તેમજ તાનાવાણાના રામજીભાઈ મહેશ્વરી વણાટકળાનું પ્રદર્શન કરીને પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે અને ડિસેમ્બરમાં ભીડ હજુ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ભુજના પ્રાગમહેલ પરિસરમાં પણ દર વર્ષની જેમ ક્રાફ્ટ સ્ટોલ શરૂ કરાયા છે. ત્યાં મડ, લીંપણના કારીગર અમીનભાઈ રાયમા જણાવે છે કે, દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને છેલ્લા થોડા દિવસોની શાંતિ બાદ હવે ફરી ડિસેમ્બરની ભીડને આવકારવા કારીગરો તૈયાર છે. - કારીગરોની અસલ કળાને પ્રોત્સાહન મળે : અનુભવી ટૂરિસ્ટ ગાઈડ પ્રવીણભાઈ ડાંગેરાના મતે, ધોરડો અને સફેદ રણ જોવા આવતા ઘણા પ્રવાસીઓ માટે મૂળ કચ્છી ક્રાફ્ટ મોંઘી પડતી હોવાથી બન્ની વિસ્તારમાં પણ કેટલાક સ્થળે મશીન વર્કનું સસ્તું ક્રાફ્ટ વેચાતું જોવા મળે છે, પરંતુ વિદેશી સહેલાણીઓના આગમન સમયે આસપાસનાં ગામોમાં સચવાયેલી અસલ કળાને યોગ્ય પ્રતિસાદ અને ખરીદી મળે છે. નિરોણામાં રોગાન કળાના ખત્રી પરિવારો તેમજ ખરકીના લુહાર પરિવારો વીઆઈપી ડેલીગેટ્સ અને પ્રવાસીઓને આવકારવામાં વ્યસ્ત છે. અજરખપુરમાં માસ્ટર કારીગર ઈસ્માઈલ ખત્રી સહિતના કારીગરો રણોત્સવની શરૂઆતથી જ સક્રિય બન્યા છે અને તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગિરિરાજાસિંહની મુલાકાત દરમિયાન પણ ગામની કળા રજૂ કરી હતી. - હસ્તકલાહાટ ધોળા હાથી સમાન : સરકારના સફેદ હાથી સમાન નિરોણા હસ્તકલાહાટ ટાણાં પર જ બંધ છે અને હસ્તકલા પરનું ગ્રહણ સમાન ભુજહાટનું કોઈ ખાસ માર્કાટિંગ ન થતું હોવાથી સરકારી મેળા સિવાય પ્રવાસીઓને આકર્ષવામાં ઉણા ઊતર્યા છે. નિરોણા ખાતેનું હસ્તકલાહાટ બંધ પડ્યું હોવાનું કારીગરો જણાવી રહ્યા છે, જ્યારે ભુજહાટમાં પૂરતું માર્કાટિંગ અને સુવિધાઓના અભાવે સરકારી મેળા સિવાયના દિવસોમાં પ્રવાસીઓની હાજરી નહીંવત રહે છે. ભુજહાટના સૂફ ભરત કારીગર દીપ્તિબેન રાઠોડ જણાવે છે કે, મેળા સિવાય અહીં પ્રવાસીઓ આવતા નથી. યોગ્ય માર્કાટિંગ અને સુવિધાઓ મળે તો તમામ કારીગરો પોતાના સ્ટોલ ખોલી શકે, પરંતુ હાલ માત્ર દસ જેટલા સ્ટોલ જ કાર્યરત છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd