ભુજ, તા. 22 : આગામી દિવસોમાં ભુજ શહેર અને
તાલુકાના તમામ અગત્યના પ્રશ્નોના નિરાકરણના પ્રયાસોની ખાતરી ભુજ વિધાનસભા વિસ્તારના
સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે આપી હતી. ભુજના ટાઉનહોલ ખાતે આયોજિત
સ્નેહમિલનમાં વડાપ્રધાન સહિતના અગ્રણીઓના વર્ચ્યુઅલ પ્રવચન સાંભળવા મોટી સંખ્યામાં
લોકો ઊમટી પડયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે સૌપ્રથમ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
બદલ સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભકામનાઓ
પાઠવી હતી. વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે,
આજે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારો સાથે મળીને
અદ્ભુત કાર્ય કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ એમના નકશેકદમ પર ચાલીને ભારતીય જનતા પાર્ટીની
આદર્શ પ્રણાલી અને પરંપરાને વધુ ને
વધુ દીપાવવા માટે કમર કસવાની છે. તે માટે ભુજ
શહેર અને તાલુકામાં થયેલ અનેક વિકાસકામોનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં ધારાસભ્ય શ્રી
પટેલે સિંચાઈ માટે નર્મદાના જળ દ્વારા પાઇપલાઇનથી ડેમ ભરવાની મંજૂરી, ભુજ ભચાઉ ફોરલેન રોડ, ભુજ-નખત્રાણા ફોરલેન માર્ગ, ભુજનો બાયપાસ,
ભુજ શહેરની ફરતે રિંગરોડ સહિતના અનેક મુખ્ય માર્ગોનું વિસ્તૃતીકરણ,
શેખપીરથી પાલારા નેશનલ હાઈવે બાયપાસ તેમજ ભુજને પૂરતું પેયજળ મળી રહે
એ હેતુથી લેર ડેમમાંથી પાણી મળે એની મંજૂરી સહિતના વર્ષોથી પડતર હતા એવા અનેક અગત્યના
કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રજૂઆત કરવામાં આવતાં તેમના દ્વારા તત્કાલિક
મંજૂરી આપવામાં આવતાં તેમણે આ પ્રસંગે ખાસ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભુજ
વિધાનસભાની વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ, વ્યાપારી મંડળો,
વિવિધ સમાજો દ્વારા કેશુભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તબક્કે
થેલેસેમિયાના બાળકોને ખાસ સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય
બાદ ખાવડા રોડ પર થયેલા અકસ્માતમાં અવસાન પામેલાઓને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પાઇ હતી,
તો સવારે ભુજ શહેર અને તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ
અરુણભાઈ વછરાજાની, દિલીપભાઈ ત્રિવેદી, કેડીસીસી
બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષો અશોક હાથી,
પ્રફુલાસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, રેશ્માબેન ઝવેરી, જીલ્લા પંચાયત કારોબારી ચેરમને હરીશભાઈ
ભંડેરી, મોરચા પ્રમુખો પારૂલબેન કારા, હિતેષભાઇ
ગોસ્વામી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ તાલુકો પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ એપીએમસી
ચેરમેન શંભુભાઈ ઝરૂ, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર,
મહામંત્રી જીગરભાઈ શાહ, જયદિપાસિંહ જાડેજા,
ભુજ તાલુકા ભાજપ મહામંત્રીઓ દિનેશભાઈ ઠકકર, લાલજીભાઈ
વાઘાણી, ભુજ નગરપાલિકાના હોદેદારો પૈકી કારોબારી ચેરમેન કમલભાઈ
ગઢવી શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડા,
ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા, હોમગાર્ડ
કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન
ભુજ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જગતભાઈ વ્યાસે કર્યું હતું જ્યારે આભાર વિધિ
નગરપતિ શીતલભાઈ શાહે કરી હતી. સંચાલન ભુજ સુધરાઇના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલે
બાંધકામ શાખાના ચેરમેન જગત (જલધિ) વ્યાસે કર્યું હતું.