ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના નાની ચીરઈ નજીક
આગળ જતા બાઈકને પાછળથી કારે હડફેટમાં લેતાં બાઈકચાલક ભીખુભા માનજી ચૌહાણનું મોત થયું
હતું તેમજ ચીરઈ નજીક જ બાઈકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં વિનુબેન સેંઘાજી ઠાકોર નામના
મહિલાનું મોત થયું હતું. શિવલખા ગામમાં રહેનાર ભીખુભા નામનો યુવાન આઈ.ઓ.સી.એલ. કંપનીમાં
નોકરી કરતો હતો, તે બાઈક નંબર જી.જે.-39-જે-4535વાળું લઈને તે કામે જવા નીકળ્યો
હતો. તે નાની ચીરઈ કબ્રસ્તાન સામે ધોરીમાર્ગ ઉપર પહોંચ્યો હતો, ત્યારે પાછળથી આવતી ક્રેટા કાર નંબર ડી.એલ-12-સી.એન.-4390એ બાઈકને ટક્કર મારી હતી, જેમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને
108 મારફતે રામબાગ બાદ ખાનગી હોસ્પિટલમાં
સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં સારવાર
દરમ્યાન ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. કારચાલક સામે મૃતકના ભાઈ વિક્રમસિંહ
માનજી ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આદિપુરમાં રહેતા મૂળ જાસ્કા,
હારીજ, પાટણના ફરિયાદી સેંઘાજી સોમાજી ઠાકોર તથા
તેમના પત્નીને અકસ્માત નડયો હતો. આ દંપતી બાઈક નંબર જી.જે.-24 - બી-ઈ-1044 લઈને જાસ્કા ગામથી આદિપુર આવી
રહ્યું હતું. તે નાની ચીરઈ નજીક પહોંચ્યા હતા, ત્યારે પાછળથી આવતી ટ્રક નંબર જી.જે.-12- વાય - 6850એ બાઈકને હડફેટમાં લેતાં દંપતી
નીચે ફંગોળાયું હતું, જેમાં તોતિંગ
વાહનનાં પૈડાંમાં મહિલાનું માથું આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેને હોસ્પિટલ
લઈ જવાતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ બંને બનાવ અંગે પોલીસે ગુના
નોંધી આગળની તપાસ હાથ ધરી છે.