• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

માળખાંકીય પ્રોજેક્ટ્સમાં ભારે વિલંબ અને આર્થિક ભારણ

ભારત જેવા વિશાળ દેશમાં માળખાંકીય સુવિધાઓના વિકાસની જરૂરત સતત વર્તાતી રહી છે. આ જરૂરતોને અનુરૂપ યોજનાઓ હાથ ધરાય પણ છે. જો કે, આ હકારાત્મક ચિત્રમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને પૂરા કરવામાં થતા વિલંબને લીધે તેના ખર્ચમાં જબ્બર આર્થિક વધારાનો બોજો સહન કરવો પડી રહ્યાનું ચોંકાવનારું ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યં છે. કેન્દ્ર સરકારનાં સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગયા મહિને એક અહેવાલ આપ્યો છે, જેમાં આ ચોંકાવનારું ચિત્ર ઉપસી આવ્યું છે. આ અહેવાલ મુજબ દેશમાં દોઢ કરોડ અથવા તેના વધુના ખર્ચવાળા 1,462 પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યંy છે. આમાંથી 412 પ્રોજેક્ટનો ખર્ચ વધીને 4.77 લાખ કરોડ થઇ ગયો છે. જાહેર કરાયેલી વિગતો મુજબ 830 યોજનાનાં અમલીકરણમાં વિલંબ થઇ રહ્યો છે. કોઇપણ અર્થતંત્રની માટે માળખાંકીય સુવિધા આધારભૂત બની રહેતી હોય છે. આર્થિક સંકટની સ્થિતિમાં આ ક્ષેત્ર અર્થતંત્રને ટેકો આપતું રહે છે, પણ દેશમાં આવાં માળખાંને લગતા પ્રોજેક્ટની હાલત ભારે ચિંતાજનક છે. મોટાભાગના માળખાંકીય પ્રોજેક્ટ વિલંબનાં ગ્રહણ તળે છે અને જેને લીધે સરકારી તિજોરી પર ખર્ચનો બોજો વધી રહ્યો છે. આ માળખાંકીય પ્રોજેક્ટસમાં માર્ગો, પુલ, સિંચાઇ, વીજળી, બંદરો, વિમાનમથકો અને સામાજિક મહત્ત્વનાં આયોજનોનો સમાવેશ થાય છે. આવા પ્રોજેક્ટ અન્ય વિકાસલક્ષી યોજનાઓ કરતાં અલગ મહત્ત્વ ધરાવતા હોય છે, તેમાં વિલંબ અને ભ્રષ્ટાચારનો લૂણો લાગે તો તેની સીધી અસર આર્થિક વિકાસની ગતિ પર પડતી હોય છે. મંત્રાલયના આ અહેવાલ મુજબ ગયા માર્ચ મહિનામાં આ યોજનાઓ પાછળના ખર્ચનો અંદાજ 25 લાખ એક હજાર ચારસો કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. હવે આ ખર્ચ વધીને 29 લાખ  78 હજાર છસ્સો એક્યાસી કરોડ થવાનો નવો અંદાજ સામે આવ્યો છે. હાલે હાથ ધરાઇ રહેલા પ્રોજેક્ટમાંથી 1,459 યોજનામાં ખર્ચ વધી ગયો છે અને 821 યોજનાનાં અમલીકરણમાં વિલંબ થઇ રહ્યો છે. માર્ચ મહિનાના આ આંકડા પાંચ મહિના બાદ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મંત્રાલયે યોજનાઓનાં અમલીકરણમાં વિલંબ માટે કોરોનાનાં સંક્રમણના સમયગાળાને જવાબદાર ગણાવ્યો છે, પણ આ કારણ સાચું હોય તો પણ એક વર્ષની અંદર સ્થિતિમાં સુધારો થવો જોઇતો હતો તે હજી જણાતો નથી. આવામાં દેશના માળખાંકીય પ્રોજેક્ટની દિવસો દિવસ કંગાળ બની રહેલી સ્થિતિ સ્પષ્ટ થાય છે. આ ગંભીર આંકડાની સાથે બીજી ચોંકાવનારી હકીકત ગયા વર્ષના એક અન્ય અહેવાલમાં સામે આવી હતી. માળખાંકીય પ્રોજેક્ટનાં અમલીકરણ માટે ચાવીરૂપ એવા ઇજનેરો, આયોજનકારો, સર્વે નિષ્ણાતો અને સલામતીના સલાહકારોની લગભગ 30 લાખ જગ્યા ખાલી છે. આ માટે પણ સરકારે પૂરતું ધ્યાન આપવાની જરૂરત છે. આમ તો યોજનાઓ વિલંબમાં પડે તો તેના કોન્ટ્રાક્ટરોને દંડની જોગવાઇ રખાઇ છે, પણ અમલદારશાહીના ભ્રષ્ટ કારસાને રોકવા માટે સરકાર પાસે કોઇ નક્કર આયોજન હોતું નથી. પરિણામે પ્રોજેક્ટમાં સતત વિલંબ સામે આવતો રહે છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાંઠને લીધે વિલંબની માટે કોઇને કોઇ બહાનાંને હકીકત બતાવીને બચાવ કરી લેવાય છે. પરિણામે પ્રોજેક્ટના ખર્ચમાં મસમોટો વધારો થઇ જતો હોય છે. સરકારે આ સમસ્યાનો કોઇ નક્કર ઉપાય શોધવા પર ધ્યાન આપવાની જરૂરત છે.

Janmadin Vishesh Purti

Panchang