• બુધવાર, 13 મે, 2026

બંગાળમાં રાજકીય હિંસાની ટીલી

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 1પ વર્ષ જૂના શાસનનો અંત આવ્યો હોવા છતાં રાજ્યમાં રાજકીય હિંસાનો અમંગળ ઓછાયો ગંભીર સવાલ ખડા કરી રહ્યો છે.  આમે પણ રાજકીય હિંસા માટે પંકાયેલા આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ બની રહેલા બનાવો ભાજપ સરકારની સામે તાકીદનો પડકાર બન્યો છે.  બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ખાસ સહાયક ચંદ્રનાથ રથની હત્યાના બનાવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિનો વરવો ચહેરો છતો કર્યો છે.  મહત્ત્વની બાબત એ છે કે, કેન્દ્રીય દળો અને પોલીસની તૈનાતી છતાં રાજ્યમાં હિંસા કાબૂમાં આવતી નથી. ચંદ્રનાથની હત્યા થઈ તે 24 પરગણા જિલ્લામાં તે પછી અમુક જણાએ ભાજપના ટેકેદારો પર બોંબથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જણા ઘવાયા હતા. ચૂંટણીનાં પરિણામો બાદ રાજ્યના સખ્યાબંધ શહેરોમાં હિંસાના બનાવો બન્યા છે. સ્વાભાવિક રીતે જ આ હિંસા માટે રાજકીય આરોપ અને પ્રત્યારાણોપણ શરૂ થઈ ગયા છે. ટીએમસીએ આ માટે ભાજપ પર આરોપ મૂકીને દાવો કર્યો છે કે, તેના ત્રણ કાર્યકરોની હત્યા થઈ છે, તો બીજી તરફ ભાજપે મમતા બેનર્જીની પાર્ટીને હિંસા માટે જવાબદાર ઠેરવી છે. ચંદ્રનાથની હત્યા ભાજપના આ આરોપને સાબિત કરે તેવી છે. આ પ્રકારના બનાવોથી રાજ્યના સામાન્ય લોકોમાં ભારે દહેશતની લાગણી છે.  સૌ કોઈ માને છે કે, ચૂંટણીમાં હાર કે જીતની બાદ લોહી વહે તે સ્વસ્થ લોકશાહીની નિશાની નથી. સવાલ એ છે કે, બંગાળમાં રાજકીય હિંસા આ વખતે થઈ રહી હોય એવું નથી. 2018ની પંચાયતની ચૂંટણીઓ, 2021ની વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણીઓ તમામમાં રાજ્યમાં હિંસાચાર થયો હતો.  આ તાસીર જાણતા હોવા છતાં રાજ્યના વહીવટી તંત્રે આ વખતે સાવચેતીનાં આગોતરાં પગલાં લેવામાં ધ્યાન શા માટે આપ્યું નથી એ એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે, નવી ભાજપ સરકાર રાજ્યમાં ગુનાહિત માનસિકતા ધરાવતા રાજકીય નેતાઓ અને કાર્યકરોની શાન ઠેકાણે આણવામાં કેવા અસરકારક અને ઝડપી પગલાં લેવાં વહિવટી તંત્રને ફરજ પાડે છે. તંત્ર અને રાજકીય નેતાઓએ હવે સમજવાની જરૂરત રહેશે કે, છેલ્લા 1પ વર્ષની તાસીર હવે ચાલશે નહીં. 

Panchang

dd