નવી દિલ્હી, તા. 11 : પેટ્રોલનો ઓછો ઉપયોગ
કરવાથી માંડીને સોનું નહીં ખરીદવાની અપીલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિપક્ષે
પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આવી અપીલોને
નિષ્ફળતા લેખાવતા કરી નાખ્યું હતું કે,
હવે દેશ ચલાવવો એ વડાપ્રધાનના હાથની વાત રહી નથી. વડાપ્રધાને 12 વર્ષમાં દેશને એ સ્થિતિમાં લાવી મૂક્યો છે કે, જનતાને શું ખરીદે, શું નહીં તે કહેવું પડી રહ્યું છે, તેવા પ્રહારો રાહુલે
કર્યા હતા. બીજીતરફ, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે પ્રહાર
કર્યા હતા કે, ચૂંટણીઓ પૂરી થઈ કે તરત સરકારને સંકટ યાદ આવ્યું
છે. હકીકતમાં દેશ માટે એક જ સંકટ છે, જેનું નામ છે ભાજપ. છેલ્લા
બે મહિનાથી સરકાર આપનો બોજ ઉઠાવી રહી છે, તેવું મોદી બોલ્યા હતા,
તો શું ચૂંટણીઓ હતી ત્યાં સુધી જ બોજ ઉઠાવ્યો, તેવો સવાલ આપ નેતા સંજયસિંહે કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું
હતું કે, દેશની આર્થિક સ્થિતિ સત્તાવાર આંકડાઓ, વડાપ્રધાને કરેલા દાવાઓ કરતા વધુ ગંભીર છે. મંત્રીઓ વાયુદળના વિમાનોમાં ઊડીને
મોટા કાફલા સાથે યાત્રાઓ કરે છે, તો ત્યાગ શું માત્ર જનતાએ કરવાનો
તેવો સવાલ તૃણમૂલ સાંસદ સાકેત ગોયલે કર્યો હતો.