કોલકાતા, તા. 11 : પશ્ચિમ બંગાળમાં
ભાજપની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી પહેલી કેબિનેટ
બેઠકમાં છ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવી
અને બીએસએફને 45 દિવસમાં જમીન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ બેઠકમાં ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. કેબિનેટે
રાજ્યમાં હિંસા મુક્ત અને સફળ ચૂંટણી કરાવવા માટે તમામ મતદાતાઓ અને ભારતીય ચૂંટણી પંચનો
આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બેઠક દરમિયાન કહ્યું હતું કે
ભાજપ સરકાર બનાવવા માટે બલિદાન આપવનારા 321 કાર્યકર્તાઓને
શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેઓના પરિવારને ન્યાય અપાવવામાં આવશે. આ ભાજપના કાર્યકરોનું
બલિદાન વ્યર્થ ગયું નથી. કોઈપણ કિંમતે તેઓને ન્યાય મળશે. વધુમાં અધિકારીએ કહ્યું હતું
કે રાષ્ટ્રીય સુરક્ષા અને સીમાવર્તી ક્ષેત્રમાં જનસંખ્યામાં થઈ રહેલા બદલાવને ધ્યાને
રાખીને બીએસએફને બોર્ડર ફેન્સિંગ માટે જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ કામ 45 દિવસની અંદર પૂરું કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
છે.