ડો. પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 11 : કચ્છના બદલાતા આર્થિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં આરોગ્ય
માળખું વધુ સુદૃઢ બન્યું છે. સરકારી આરોગ્ય સુવિધાઓથી માંડીને અત્યાધુનિક ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી
હોસ્પિટલોનો વિસ્તાર વધ્યો છે ત્યારે આ સમગ્ર વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન `વ્હાઈટ આર્મી'
એટલે કે નર્સિંગ વ્યવસાયનું મહત્ત્વ વધી જાય છે. આવા જ કાળે આંતરાષ્ટ્રીય
નર્સ દિવસ નિમિત્તે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અને કચ્છમાં નર્સિંગ વ્યવસાયમાં
બહોળી સંખ્યામાં જોડાયેલી મહિલાઓના પ્રભુત્વને સમજીએ કે, ત્રીસહજ
સંવેદનશીલતા સાથે દર્દીની સારવાર કરતાં નર્સ મહિલા હોય ત્યારે અડધી બીમારી તો તેની
હૂંફથી ગાયબ થઈ જાય છે. આમ રોજગારીની વધતી તકો સાથે સેવાના સમન્વય તરીકે ઊભરી આવેલા
આ વ્યવસાયની વિવિધલક્ષી છણાવટ કરી છે.
આ વર્ષની વૈશ્વિક થીમ `આપણી નર્સો,
આપણું ભવિષ્ય' હેઠળ જ્યારે વિશ્વ નર્સોના સશક્તિકરણની
વાત કરી રહ્યું છે, ત્યારે કચ્છમાં આ વ્યવસાય સાથે જોડાયેલા પડકારો
અને સિદ્ધિઓ પર મંથન કરવું અનિવાર્ય છે.
800થી વધુ બેઠક ઉપલબ્ધ
કચ્છમાં એક સમયે નર્સિંગ અભ્યાસ માટે જાગૃતિનો અભાવ
હતો. વર્ષ 2009થી 2015 સુધી
બી.એમ.સી.બી. જેવી કોલેજોમાં પણ બહારના વિદ્યાર્થીઓ વધુ આવતા, પરંતુ આજે ચિત્ર બદલાયું છે. હાલમાં
કચ્છમાં લાખોંદની બીએમસીબી ઉપરાંત ભુજની ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, ગવર્નમેન્ટ સ્કૂલ ઓફ નર્સિંગ-માંડવી, કચ્છી લેવા પટેલ
નર્સિંગ કોલેજ-હરિપર, ભીમરત્ન નર્સિંગ કોલેજ-ભુજ, ગજવાણી નર્સિંગ કોલેજ -ગાંધીધામ, આર્યા નર્સિંગ કોલેજ
-આદિપુર, ભુજની ડિશાન કોલેજ જેવી વિવિધ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત
છે, જેમાં ANM, GNM, B.Sc.,પોસ્ટ બેઝિક
બીએસ.સી., M.Sc.નર્સિંગ સુધીના કોર્સમાં આજે 800થી વધુ બેઠકો ઉપલબ્ધ છે, જે કચ્છના યુવાનો માટે કારકિર્દીની
મોટી તક બની છે.
રોજગારીની ગેરંટી
વધતી હોસ્પિટલો અને નવી બીમારીઓ સામે નર્સિંગ સ્ટાફની
અછત હંમેશાં રહેશે. આ ફિલ્ડમાં ક્યારેય બેરોજગારી આવતી નથી.
નર્સિંગમાં ઉચ્ચ શિક્ષણ આપવાની તકોમાં વધારો
હવે કચ્છમાં જ Ph.D.. સુધીના અભ્યાસની તૈયારીઓ બી.એમ.સી.બી. કોલેજ દ્વારા
શરૂ થઈ ગઈ છે. નજીકના ભવિષ્યમાં નર્સિંગમાં માસ્ટર્સ કરેલા વિદ્યાર્થી પીએચ.ડી. સુધીનો
અભ્યાસ પણ કચ્છમાં જ પૂરો કરી શકશે.
ગુજરાતમાં ફીમેલ નર્સ વધુ
કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. પુનિત
જૈન મૂળ રાજસ્થાનના હોવાથી સરખામણી કરતાં કહે છે કે, રાજસ્થાન કે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સ્પર્ધાત્મક માહોલ
હોવાથી છોકરાઓ મોટી સંખ્યામાં નર્સિંગમાં આવે છે, કારણ કે કેન્દ્ર
સરકારની નર્સિંગ ક્ષેત્રમાં થતી ભરતીના લાભોની તેમને જાણ હોય છે, જ્યારે ગુજરાતમાં દીકરીઓ માટે હોસ્પિટલનું વાતાવરણ વધુ સુરક્ષિત માનવામાં આવતું
હોવાથી તેઓ આ ફિલ્ડનો અભ્યાસ વધુ પસંદ કરે છે.
નર્સિસ માટે અનેક તકો
બી.એમ.સી.બી. નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. અંબિકા
ચંદ્રન મૂળે દક્ષિણ ભારતીય છે તેઓ જણાવે છે કે,
ગુજરાતમાં બિઝનેસ માઇન્ડસેટ વધુ હોવાથી લોકો MBBS કરી પોતાની હોસ્પિટલ ખોલવા પ્રેરાય છે, જ્યારે નર્સિંગને
માત્ર `નોકરી'
તરીકે જોવામાં આવે છે. આથી અહીં છોકરાઓ ઓછા અને છોકરીઓ વધુ જોવા મળે
છે. સોશિયલ સ્ટીગમા થકી જાગૃતિનો અભાવ છે, નહિતર હોમ કેર,
ઓલ્ડ એજ કેરમાં નર્સિસ માટે અનેક તકો રહેલી છે.
ડોક્ટર જેટલું જ મહત્ત્વ
વિદેશોમાં નર્સિંગ પ્રોફેશનને અત્યંત માન-સન્માન મળે
છે, જ્યારે ભારતમાં ઘણીવાર દર્દીના સગા
નર્સિંગ સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરે છે. દર્દી ડોક્ટરને ભગવાન માને છે, પણ એ ભૂલે છે કે, 24 કલાક
તેમની પડખે રહી સેવા કરનાર નર્સ જ હોય છે. સારવારમાં નર્સિંગ સ્ટાફનો ફાળો ડોક્ટર જેટલો
જ મહત્ત્વનો છે. કોરોનાકાળે વિશ્વને નર્સિંગનું મહત્ત્વ સમજાવ્યું છે. તો ચાલો, આ નર્સ દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે,
આપણી સેવા કરનાર આ `વ્હાઇટ
આર્મી'ને પૂરતું સન્માન અને આદર આપીશું.
નર્સિંગ સ્ટાફ સંગઠિત બને
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમુક હોસ્પિટલોમાં
નર્સિંગ સ્ટાફ પાસે ડબલ ડ્યુટી કે વધુ કલાકો સુધી ઓવરટાઈમ કરાવવામાં આવે છે, જેની સામે આર્થિક વળતર ઘણું ઓછું હોય
છે અને કચ્છમાં નર્સિંગ ક્ષેત્રે કોઈ મજબૂત કે સક્રિય સ્થાનિક યુનિયન કાર્યરત નથી.
જો નર્સિંગ સ્ટાફ સંગઠિત બને, તો જ તેઓ પોતાના હક્કો અને સુવિધાઓ
માટે અવાજ ઉઠાવી શકે. સંગઠિત અવાજ વગર આ પ્રોફેશનમાં થતું પરોક્ષ શોષણ અટકાવવું મુશ્કેલ
છે.
જ્યાં સુધી બીમારી
રહેશે, ત્યાં સુધી નર્સની સેવાની જરૂરિયાત વર્તાતી રહેશે
જેમના માર્ગદર્શનથી કચ્છમાં નર્સિંગ કોલેજોનાં દ્વાર
ખુલ્યાં એવાં માધાપરમાં નિવૃત્ત જીવન ગાળતા 75 વર્ષીય
ડો. વીરુબેન એચ. ભુડિયા કચ્છના નર્સિંગ ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. અમદાવાદમાં ગુજરાતનો
સૌપ્રથમ એમ.એસઈ. નર્સિંગ કોર્સ શરૂ કરવામાં તેમનો સિંહફાળો છે તથા કચ્છમાં બીએમસીબી
અને લેવા પટેલ નર્સિંગ કોલેજની સ્થાપનામાં પણ તેમની પાયાની ભૂમિકા રહી છે. અમદાવાદથી
દિલ્હી સુધી અભ્યાસ માટે ભટકનાર વીરુબેને 1998માં
નર્સિંગ વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું. તેઓ કચ્છના પ્રથમ મહિલા પીએચ.ડી. નર્સિંગ પર્સન
છે. તેઓ કહે છે કે મેં ઘણું સહન કરીને અભ્યાસ કર્યો છે, પણ આજે ગર્વ છે કે કચ્છની દીકરીઓને
ઘરઆંગણે આ શિક્ષણ મળે છે.
આંતરરાષ્ટ્રીય નર્સ
દિવસ ઊજવવાનો હેતુ ?
આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઈટીંગેલના જન્મદિવસે
(12 મે) દર વર્ષે વિશ્વભરમાં `આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ઊજવવામાં આવે છે. 1850ના દાયકામાં ક્રિમિયન યુદ્ધ દરમિયાન ફ્લોરેન્સ નાઈટીંગેલે
રાત્રે હાથમાં ફાનસ (Lamp) લઈને ઘાયલ સૈનિકોની સેવા કરી હતી, જેના કારણે તેઓ `લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખાયા. તેમની આ સેવાભાવના અને નર્સિંગ ક્ષેત્રે તેમણે
આપેલા વૈજ્ઞાનિક અભિગમને સન્માન આપવા માટે વર્ષ 1974થી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ (ICN) દ્વારા આ દિવસની સત્તાવાર ઉજવણી
કરવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સમાજમાં નર્સોના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો
અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.