કાઠડા (તા. માંડવી), તા. 11 : પાંચેક હજાર વસ્તી
ધરાવતા આ ગામને પીવાલાયક પાણી પૂરું પાડતા તળાવના તૂટેલા ઓગન તથા પાળનું સમારકામ બે
વર્ષથી શરૂ ન થતાં તંત્રની નિક્રિયતા અંગે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો. કાઠડા ગામને
પીવાલાયક પાણી પૂરું પાડતું એકમાત્ર ભંગવાળા તળાવના બે વર્ષ અગાઉ વર્ષ 2024માં વધુ વરસાદના કારણે ઓગન તથા પાળો તૂટી જતાં તમામ
જળરાશિ દરિયામાં વહી ગઈ હતી. વર્ષ 2025માં
પણ તળાવના સમારકામના અભાવે જળરાશિ દરિયામાં વહી ગઈ હતી. ચાલુ વર્ષે આ તળાવ માટે અંદાજિત
70 લાખની રકમ સમારકામ માટે ફાળવાઈ હોવા છતાં કામ શરૂ ન
કરાતાં ચોમાસાંના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ તળાવ ખાલીખમ રહેશે
તેવા એંધાણ દેખાઈ રહ્યા હોવાથી ગ્રામજનોએ કામ ક્યારે શરૂ થશે તેવા સવાલો ઉઠાવ્યા હતા.
આ ગામ સિવાય અન્ય ગામોમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હોવાથી રકમની ફાળવણી બાદ પણ કામ
અંગે તંત્રની નિક્રિયતા વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. કાઠડા ગામના મુખ્ય તળાવના કામ અંગે
સરપંચ પ્રતિનિધિ ભારમલ ગઢવીનો સંપર્ક કરતાં રકમની ફાળવણી બાદ ટેન્ડર પ્રક્રિયા ચાલુ
હોતાં પ્રક્રિયા પૂર્ણ થયે કામ શરૂ કરવાની ખાતરી અપાઈ હતી. નવનિયુક્ત તા.પં. સદસ્ય
વિરમભાઈ ગઢવીએ ધારાસભ્ય તથા તંત્રને રજૂઆત કરી આ વર્ષે તળાવનું પાણી દરિયામાં વહી ન
જાય તેવા પ્રયત્નો કરાશે, તેવું જણાવ્યું હતું.