બે-ત્રણ દિવસથી વેગીલા પવનને લીધે તાપની તીવ્રતામાં થોડી રાહત
વર્તાતી હશે, પરંતુ વૈશાખનો જનજીવન પર
તેનો પ્રભાવ વર્તાવી રહ્યો છે. આ સ્થિતિ ગુજરાત જ નહીં, સમગ્ર
દેશની છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આ વખતે કેટલાક વિસ્તારોમાં
પહેલાં કરતાં વધુ લાંબો સમય સુધી હીટવેવ રહેશે. પહેલાં જ્યાં ગરમીનું પ્રમાણ સામાન્ય
રીતે ઓછું લાગતું ત્યાં પણ ગરમીનું મોજું લોકોની કસોટી કરશે. એક વૈશ્વિક સંસ્થા એક્યુઆઈના
આંકડામાં મુશ્કેલી વધારનારી તસવીર ઉભરી છે. દુનિયાના સૌથી 20 ગરમ શહેરમાં 19 અને 100 શહેરમાં 98 ભારતના છે. નિ:સંદેહ વધતા જતા
ઉષ્ણતામાન માટે જળવાયુ પરિવર્તન મુખ્ય કારણ મનાતું હોય છે, પરંતુ પર્યાવરણ જતન પ્રત્યે તંત્રની અને આમ
નાગરિકોની ઉદાસીનતા પણ મહત્ત્વનું પરિબળ છે. એક તરફ વન વિસ્તાર ઘટતો જાય છે ને બીજી
તરફ બદલાતી જીવનશૈલીને લીધે વધતું કાર્બન ઉત્સર્જને ગંભીર ચિંતાનો વિષય છે. ગ્લોબલ
વોર્મિંગનો પ્રકૃતિ પર પ્રભાવ એટલો છે કે, ઋતુચક્ર ખોરવાઈ ગયું
છે. એપ્રિલમાં થતા અણધાર્યા વરસાદે દેશમાં અનેક સ્થળે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડયું
છે. વિશ્વના 100 અતિ ગરમ શહેરમાં
ભારતના 98 શહેર છે. ઉત્તર ભારત ઉપરાંત
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,
રાજસ્થાન પણ આ પ્રકોપ વેઠી રહ્યા છે. પ્રશાસન ગરમીથી બચવા માટેની માર્ગદર્શિકા
જાહેર કરે છે. વૃદ્ધો હજીય ઘરમાં રહી શકે, પરંતુ વ્યવસાય કરનારા
લોકો માટે તેનું પાલન કરવું એટલે કે બપોરે બારથી ચાર વચ્ચે ઘરની બહાર ન નીકળવું શક્ય
હોતું નથી. ગુજરાત, છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
તાપમાન ક્યાંક તો 47 ડિગ્રી સેલ્સિયસ
થઈ ગયું હતું. ઉત્તરપ્રદેશના 60 જિલ્લામાં
રેડ એલર્ટ છે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં
શાળા બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જો કે, વેકેશન છે એટલી
રાહત છે. ગરમીને લીધે માણસોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. મધ્ય ભારત તો બરાબર, પરંતુ હિમાલય ક્ષેત્ર એવા હિમાચલપ્રદેશમાં પણ ભયાનક ગરમી છે. મેદાની વિસ્તારમાં
લોકો ગરમીથી પરેશાન છે. કુલ્લુ, મંડી, સોલન
જેવા પર્વતીય વિસ્તારમાં પણ હીટવેવનું યલો એલર્ટ છે. આ સ્થિતિ અત્યંત વિચિત્ર છે. ગુજરાતમાં
પારો 45 ડિગ્રી થવાની શક્યતા છે. ગરમીની
અસરથી બચવા માટે પાણી, ઓઆરએસ જેવા
ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે. આખરે ગરમી કે વધુ પડતો વરસાદ એ બધું જ કુદરતને આધીન
છે. માણસ તો તેનાથી બચવાના પ્રયાસ કરી શકે. હવામાનને દૂષિત થતું તે અટકાવી શકે,
પરંતુ જે સ્થિતિ ઊભી થઈ જ ગઈ
છે તેમાં વિશેષ તો શું થાય ? ભૌતિક સગવડો, વિકાસ કહીએ છીએ તેવા પુલનાં બાંધકામ
અને ટનલ્સનાં નિર્માણ વિવેકબુદ્ધિથી કરીએ, શહેરી વનીકરણ કાગળ
ઉપર નહીં, જમીન ઉપર થાય તો રાહત મળી શકે. અત્યારે તો આકાશ આગ
વરસાવી રહ્યું છે. દેશમાં જે રીતે ઉદ્યોગીકરણ
વધી રહ્યું છે. લાઈફસ્ટાઈલ કુદરતથી દૂર થતી જાય છે એ જોતાં આવનારા સમયમાં ગરમીની તીવ્રતા
વધતી જ જવાની. સરકારોએ આ સંભાવનાને નજરઅંદાજ ન કરતાં પ્રાથમિકતા આપવી પડશે. ગામ,
શહેર, ફળિયા, રસ્તાઓ પર વૃક્ષનું
આચ્છાદન વધારવું જરૂરી છે. જળસંચય અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ પણ એક અગત્યની બાબત
છે. ગરમી વધવાની સીધી અસર પાણીના ઉપલબ્ધ સ્રોતો ઉપર પડશે. પાણી બચાવીએ, તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરીએ એ સમયની માંગ છે. માનવજાત તો ખરી જ સાથે કાળઝાળ
ગરમીમા પશુ-પંખી પણ ત્રાહિમામ પોકારી જતા હોય છે તેમના માટે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ,
રહીશો અને સરકારે આગળ આવવું જોઈએ. જૂના સમયમા પશુ-પક્ષીઓ માટે દરેક ગામમાં
પાણીના અવાડા બનાવાતા તો પરબ સંસ્કૃતિ પણ હતી. આજે પરબ ક્યાંક ક્યાંક આવે છે પણ મુંગા
પશુ-પંખી માટે પણ કંઈક કરવું જોઈએ એ આ ઊનાળાની માંગ છે.