• બુધવાર, 13 મે, 2026

ઝળહળતા નાગોર ઓવરબ્રિજનો નજારો મહાનગરને પણ ઝાંખો પાડે તેવો

ભુજ, તા. 11 : આદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્ર સહિતના કારણે કચ્છ હવે વિકાસની ઉડાન ભરી રહ્યું છે. ખાસ કરીને આધુનિક કક્ષાની આંતર માળખાકીય સુવિધાઓ કચ્છની આ વિકાસયાત્રામાં નવું જોમ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે. અહીં આપણે વાત કરવાની છે ભુજ નજીક નિર્માણ પામેલા ઓવરબ્રિજની. ભીમાસર-ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ અંતર્ગત બનેલો નાગોર ઓવરબ્રિજ જ્યારે રાત્રિના સમયે લાઈટથી ઝળહળી ઊઠે છે, ત્યારે એક ગૌરવવંતો નજારો સર્જાતો હોય છે. વડાપ્રધાને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવામાં કચ્છ-ગુજરાતની મહત્ત્વની ભૂમિકા રહેવાની છે, ત્યારે દેશના કોઈ મહાનગર કે વિદેશની ધરતી જેવો ઝળહળતો નજારો નાગોરના ઓવરબ્રિજ પરથી દેખાય છે, તે સમયે તેમાં વિકસિત કચ્છનું પ્રતિબિંબ આબેહૂબ ઝીલાતું જોવા મળે છે. ભુજની ભાગોળે નિર્માણ પામેલો આ પ્રથમ ઓવરબ્રિજ લોકો માટે નવું નજરાણું બન્યો છે. રાત્રિના સમયે આ નજારો નિહાળવા માટે ભુજ તેમજ આસપાસના લોકો ખાસ કરીને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં ઊમટતા જોવા મળે છે. અનેક લોકો આ નજારાને મોબાઈલમાં કેદ કરી કાયમી યાદગીરીરૂપે તેને સાચવવાની સાથે સોશિયલ મીડિયા પર રીલ પણ બનાવતા હોય છે. જાગૃત નાગરિકોના જણાવ્યાનુસાર ભુજને જ્યારે આ ગૌરવ અપાવતું નજરાણું મળ્યું છે, ત્યારે તેની યોગ્ય જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક જવાબદારી બની રહેશે.

Panchang

dd