ભુજ, તા. 11: પરપ્રાંતીય હાલે
ધ્રંગ રહેતો 49 વર્ષીય શ્રમિક રામેશ્વર શિવલાલ મોજી બે દિવસ પહેલાં
ઘરેથી નીકળી ગયો હતો. જેની લાશ આજે ઉમેદપરથી લાખારા સીમ વચ્ચેથી મળી હતી. ભૂખ-તરસના
લીધે તેનું મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બીજી તરફ માંડવીના પીપરીમાં 23 વર્ષીય યુવતી જશુબાઈ કાનજી સંઘારે ગળે ફાંસો ખાઈ આપઘાત
કરી લીધો હતો. પરપ્રાંતીય એવો રામેશ્વર મોજી હાલે ધ્રંગમાં રહેતો હતો અને ઈલેક્ટ્રિક
કામ કરતો હતો. બે દિવસ પહેલાં તે ઘરેથી નીકળી ગયો હતો. દરમ્યાન આજે સાંજે છ વાગ્યાના
અરસામાં તેની લાશ ઉમેદપરથી લખારા સીમમાંથી મળતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના
તબીબે વિધિવત મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસને જાણ કરાતાં ટીમ હોસ્પિટલ પહોંચી હતી.
સામતાભાઈ પટેલનો સંપર્ક કરતાં રામેશ્વરના શરીરે કોઈ ઈજાના નિશાન ન હોવાનું અને હાલ
ભૂખ-તરસ તથા તડકાના લીધે ડીહાઈડ્રેશનના લીધે મોત થયાનું તબીબે તારણ આપ્યાનું જણાવ્યું
હતું. બીજી તરફ માંડવી તાલુકાના પીપરી ગામે મફતનગરમાં રહેતી યુવતી જશુબાઈએ આજે બપોરે
કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની આડીમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે
માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક
જશુબાઈના પિતા કાનજીભાઈ સંઘારે કોડાય પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.