• બુધવાર, 13 મે, 2026

ગાંધીધામમાં ફિલ્મી ઢબે પોલીસે વિદેશી શરાબ ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 11 : શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નૂરી મસ્જિદ સામે એલસીબીએ ફિલ્મી ઢબે કારમાંથી રૂા. 1,21,440નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સોની અટક કરાઇ હતી. દારૂ બોન્ડેડ વેરહાઉસમાંથી કાઢવામાં આવ્યો હતો. ગાંધીધામ, કાસેઝ અને કંડલામાં આવેલા અમુક બોન્ડેડ વેરહાઉસમાંથી દારૂનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની ફરિયાદો, આક્ષેપો વચ્ચે પોલીસની કાર્યવાહીએ આ વાતને સમર્થન આપ્યું છે. આ સંકુલમાં હજુ પણ બોન્ડેડ વેરહાઉસમાંથી માલ બારોબાર બહાર જાય છે, જેમાં ખરેખર તટસ્થ, નીતિમત્તાથી તપાસ હાથ ધરી વેરહાઉસના માલિકો, સંચાલકોને સાણસામાં લેવાય તો જ આ બદી ઉપર અંકુશ આવે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ ધોરીમાર્ગ ઉપર હતી, દરમ્યાન મીઠીરોર જીઆઇડીસીમાં દિલીપ મીણાના બોન્ડેડ વેરહાઉસમાંથી દારૂ ભરેલી એક કાર ગાંધીધામ બાજુ આવતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કમર કસી હતી. કારને રોકાવવા પોલીસે નૂરી મસ્જિદ સામે ટ્રાફિક કરાવ્યો હતો. તેવામાં બોલેરો કાર નંબર જી.જે.-39-સી.બી.-2052 આવતાં તેને રોકાવવાની કોશિશ કરતાં ચાલકે ગાડી હંકારી દીધી હતી. પોલીસે કારના ડાબી બાજુના કાચ પર લાકડી મારી કાચ તોડી નાખ્યા હતા, તેવામાં ગાડી ટ્રાફિકમાં ફસાઇ જતાં પોલીસે દોડીને અંદરથી વરસામેડી, શાંતિધામ સોસાયટીમાં રહેતા ચંપાલાલ ખીમારામ મીણા તથા ચેતન શગરામ મીણાને દબોચી લીધા હતા. આ કારમાંથી વિયેતનામ બનાવટના 500 મિ.લિ.ના ચિતાહ એકસ્ટ્રા સ્ટ્રોંગ બિયરના 552 ટીન એમ કુલ્લ રૂા. 1,21,440નો દારૂ જપ્ત કર્યો હતો. દારૂનો આ જથ્થો મીઠીરોહર જીઆઇડીસીમાં દિલીપ મીણાના બોન્ડેડ વેરહાઉસમાંથી ભરવા ગયા હતા જ્યાં બંટી મીણાએ આ દારૂ ભરી આપ્યો હતો. ઓસ્લો સર્કલ પહોંચી બંટી મીણા જે મોબાઇલ નંબર સાથે તેને આ માલ આપવાનો હતો. બંટી કોના નંબર આપવાનો હતો ? કોણ દારૂ લેવા આવવાનો હતો. દિલીપ મીણા સાથે અન્ય કોઇ ભાગીદાર છે કે કેમ તે સહિતની વિગતો માટે નીતિમત્તાથી તપાસ હાથ ધરાય તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

Panchang

dd