• બુધવાર, 13 મે, 2026

કોંગ્રેસે ડીએમકેના મૈત્રી સંબંધ કેમ તોડયા?

પાંચ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયાં પછી મુખ્ય પ્રધાનપદ માટે નામ નક્કી થઇ રહ્યા છે. મુખ્યત્વે કેરળમાં સૌથી વધુ `લોબિંગ' થઈ રહ્યું છે. તામિલનાડુમાં જોસેફ વિજય ચંદ્રશેખર મુખ્ય પ્રધાન પદના એકમાત્ર દાવેદાર છે અને માંડ-માંડ બહુમતી ઊભી કરી શક્યા છે. આ બે રાજ્યની સરખામણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપમાં કોઈ સમસ્યા નથી. આસામ અને પોંડિચેરીમાં મુખ્ય પ્રધાનો બદલવાની જરૂર નથી અને બંગાળમાં મમતા બેનરજીને બબ્બે વખત-એમના `ઘર'માં જઈને હરાવનારા જાયન્ટકિલર સુવેન્દુ અધિકારીનું નામ જાહેર થઇ ગયું છે. મુખ્ય પ્રધાનના શપથવિધિમાં વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે. આ દરમિયાન મમતાદીદી અવરોધ ઊભા કરવાના પ્રયાસ કરશે પણ નિરાશ થશે. તામિલનાડુમાં વિજય એકમાત્ર ઉમેદવાર છે, પણ રાજ્યપાલે બહુમતીની ખાતરી કરવા આંકડા માગ્યા હતા. વિજય પાસે 108 સભ્યો છે અને ગૃહમાં બહુમતી પૂરવાર કરવા માટે 118 સભ્ય જરૂરી હતી. કોંગ્રેસના પાંચ સભ્યનો ટેકો તો મળ્યો છે, પણ પાંચ વધુ સભ્યનો ટેકો મેળવી લીધો છે. વિજય પોતે બે બેઠક પર લડયા અને જીત્યા છે, આથી એક ખાલી કરવાની થાય છે. આમ, ખૂટતી બેઠકોનો આંકડો ભલે નાનો હોય પણ ત્યાં સુધી પહોંચવામાં સંઘર્ષ ઘણો લાંબો નીવડયો. ચાર ડાબેરી સભ્યના પત્ર મળ્યા છે, તેથી એક માટે પણ રાહ જોવાઇ હતી. આખરે વિજયની બહુમતી થઇ છે અને રાજ્યપાલ શપથવિધિ કરાવીને વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા મુદત આપશે. વિધાનસભામાં બહુમતી પૂરવાર થયા પછી સરકાર ચલાવવી અને રાજકીય સ્થિરતા બતાવવામાં કસોટી હશે. ખાતાઓની વહેંચણીમાં પણ નાના પક્ષોની માગણી મોટી હશે. કોંગ્રેસે તામિલનાડુમાં ઝડપથી ટેકો જાહેર કરી દીધો તેનાથી ઘણાને આશ્ચર્ય થયું છે, પણ વ્યૂહ સચોટ છે. છેલ્લાં 50 વર્ષથી દ્રવિડ પક્ષ - ડીએમકે સાથે મૈત્રી સંબંધ હતા તે પલકવારમાં કેવી રીતે તૂટી ગયા? રાહુલ ગાંધીના ઇન્ડિ મોરચામાં ડીએમકે મજબૂત સ્તંભ જેવા હતા તો પણ તલાક થયા! વાસ્તવમાં કોંગ્રેસની નજર તામિલનાડુમાં ભાવિ ચૂંટણી ઉપર છે. હવે ડીએમકેના નામના ડંકા વાગતા નથી, સિક્કા - કે વોટ પડતા નથી. એવું જોઈ લીધા પછી વધુ વિચારવાની જરૂર રહી નથી. વિજયની બોલબાલા સાંભળી હોત નહીં તો કદાચ ડીએમકેનો સાથ છોડવાની નોબત આવત નહીં. હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વધુ બેઠકો માગીને જીતવા માગે છે. કોંગ્રેસ - રાહુલ ગાંધીને માત્ર લોકસભામાં સંખ્યા વધારવામાં રસ છે. જો કે, વિજય સાથે કેટલી બેઠકો અને કેવો જશ મળે છે તે જોવાનું છે, તો સામે પક્ષે તામિલનાડુમાં સંબંધ તૂટયા પછી ડી.એમ.કે. હવે લોકસભામાં કોંગ્રેસથી અલગ બેસવા માગે છે. આ માટે સાંસદ કની મોદીએ તો લોકસભા અધ્યક્ષને પત્ર પણ લખી નાખ્યો છે. આમ તામિલનાડુમાં સરકારમાં સાથીદાર બનવાની લ્હાયમાં કોંગ્રેસે  લોકસભામાં એક મજબૂત સાથીદાર ખોયો છે. હવે ડી.એમ.કે. સંસદમાં કોંગ્રેસ કે રાહુલ ગાંધીની હામાં હા મેળવે એ જરૂરી નથી આમ ઇન્ડિ ગઠબંધનની એકતામાં તિરાડ પડી છે. થલાપતિની શપથવિધિ પછી નવી સરકાર કેટલી ટકી શકશે તે જોવાનું છે. પૂર્વ મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને તો કહ્યું છે કે, છ મહિના સુધી કોઈ ગરબડ નહીં થાય. આ મુદતનો અર્થ એટલો જ છે કે વિજયનો ઉન્માદ અને હવા સમય જતાં ઓસરવા લાગે તેની રાહ જોવાશે. ચૂંટણી પહેલાં વિજયે કહ્યું હતું કે, ડીએમકે સાથે અમારી રાજકીય દુશ્મની છે અને એઆઇડીએમકે સાથે વૈચારિક મતભેદ છે, ત્યારે જોસેફ વિજયના મનમાં ભાજપનું હિન્દુત્વ હશે. પરિણામ આવ્યા પછી એઆઇડીએમકે પ્રથમ પક્ષ હતો - બિનશરતી ટેકો જાહેર કર્યો પણ વિજય નક્કી કરી શકયા નહીં તેથી ઓફર પાછી ખેંચાઈ છે, પણ ભવિષ્યમાં સંજોગ અને સંબંધ બદલાઈ શકે છે. આ દરમિયાન બંને દ્રવિડ પક્ષ એકસાથે મળીને સરકાર બનાવે એવી અફવા શરૂ થઈ પણ ડીએમકેનો રદિયો આવ્યો. ડીએમકેના 59 અને એઆઇડીએમકેના 47નો સરવાળો થાય તો પણ બહુમતી થાય નહીં - અને પરચૂરણ સાથે સમજૂતી કરવી જ પડે! આમ જબરજસ્ત મતદાન અને પરિણામ પછી પણ ત્રિશંકુ જેવી હાલત છે! કેરળમાં મુખ્ય પ્રધાન પદ માટે ત્રણ દાવેદાર છે! કેન્દ્રીય નિરીક્ષકો ગયા છે અને જાહેરમાં વિધાનસભ્યોના મત લેવાને બદલે બંધબારણે એક પછી એકને બોલાવાશે. આ પછી પણ ઠરાવ પસાર કરીને કોંગ્રેસ પ્રમુખ - હાઈ કમાન્ડને વિનંતી થશે કે મુખ્ય પ્રધાન તમે જ નક્કી કરો! કોંગ્રેસની આ જૂની રસમ છે. જો કે, ભૂતકાળમાં કોંગ્રેસ મોવડીમંડળે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનુક્રમે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાઈલોટ જેવા યુવા નેતાઓને મુખ્ય પ્રધાન પદની કમાન સોંપવાને બદલે જૂના જોગી જેવા કમલનાથ અને અશોક ગહેલોતને ધુરા સોંપી એનાં પરિણામ સૌની સામે છે. બંને રાજ્યમાંથી કોંગ્રેસનો `હાથ' નીકળી ગયો છે. હવે, કેરળમાં મુખ્ય પ્રધાન પદ માટે ત્રણ ઉમેદવાર વચ્ચે રસાકસી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કે.સી. વેણુગોપાલન, કેરળ વિધાનસભાના વિરોધ પક્ષ નેતા વી.ડી. સતીશન અને રાજ્ય એકમના ભૂતપૂર્વ વડા રમેશ ચેન્નીથલા. પહેલા બે નેતા કરતાં ચેન્નીથલા સૌથી વરિષ્ઠ છે, પણ સતીશન આ બધામાં સૌથી પ્રબળ અને સમર્થ દાવેદાર છે અને ત્રણેયમાં ઓછી વયના છે. છેલ્લાં પાંચ વર્ષમાં અને ચૂંટણી દરમિયાન પણ સતીશને પિનારાઈ વિજયનને સીધો પડકાર આપતા જોવા મળ્યા હતા. તેમની આક્રમક શૈલી યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારી સાબિત થઈ છે, તો સિનિયર મોસ્ટ ચેન્નીથલામાં યુડીએફના સાથી પક્ષોને વિશ્વાસ છે તથા ગઠબંધન સરકારમાં સમન્વય સૌથી મહત્ત્વનું પાસું હોવાથી તેમના પક્ષમાં પલડું નમે છે. વળી, આ ચૂંટણીની પ્રચાર સમિતિના તેઓ વડા હતા અને મુખ્ય પ્રધાન બનવાનો આ તેમનો કદાચ છેલ્લો મોકો છે. જો કે, 70 વર્ષની વય તેમને આ તક અપાવવામાં અવરોધક નીવડી શકે છે, તો કે.સી. વેણુગોપાલન રાહુલ ગાંધીના નિકટવર્તી ગણાય છે અને કેરળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના આંતરકલહને તેમણે કુનેહપૂર્વક હાથ ધરી પક્ષને એક રાખવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. હાલ તેઓ લોકસભાના સાંસદ છે, તો આ ત્રણેય નેતાએ શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું છે. અહીં, કોંગ્રેસ હાઈ કમાન્ડે સાચવીને આગળ વધવાનું છે, કેમ કે, આંતરિક અસંતોષને કારણે બે સરકાર તેમના હાથમાંથી ગઈ છે. કેરળનો માંડ હાથ આવેલો ગઢ ગુમાવવો ન પડે એ માટે અત્યારે જ સાવચેતી રાખવી રહી. 

Panchang

dd