• બુધવાર, 13 મે, 2026

સામૂહિક ચેતવણી પ્રણાલી `સચેત'ની આવકાર્ય પહેલ

મોબાઇલ જેટલી સગવડની વસ્તુ છે એટલી મુસીબતનીય બાબત છે. ઓનલાઇન ઠગાઇ, ઓટીપી ચોરી ને બેંક ખાતાં પર તરાપ મારવાના અસંખ્ય બનાવ બને છે. કરોડો મોબાઇલધારકોને ગયા શનિવારે એકસાથે એલર્ટ મેસેજ આવ્યા... ને ઇમર્જન્સી સાયરનનો અવાજ ગુંજી ઊઠતાં લોકોમાં પ્રથમ તબક્કે ગભરાટ ફેલાયો, એ પછી સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી ત્યારે હાશકારો થયો. સરકારે હેતુ સમજાવતાં કહ્યું કે, એલર્ટ સિસ્ટમ દ્વારા ભૂકંપ, સુનામી, પૂર, કેમિકલ હુમલો, ગેસ લીકેજ જેવી કટોકટીની સ્થિતિમાં મોબાઇલ ફોન ઉપર જ લોકોને તાકીદનો સંદેશો પાઠવીને સાવધ કરવાના છે. ભારતમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટની શરૂઆત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ છલાંગ કહી શકાય. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-એનડીએમએ અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ સી ડોટ દ્વારા વિકસિત `સચેત' પ્રણાલી એકસાથે સાવધાન કરતી કોમન એલર્ટિંગ પ્રોટોકોલ આધારિત છે  અને દેશનાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કરી દેવામાં આવી છે. આ ટેકનોલોજીને ઉન્નતિ સાથે જીવનરક્ષણ ક્ષમતા સાથે સંકળાયેલો મોટો બદલાવ માનવામાં આવે છે. ટેકનોલોજીના ઉપયોગ અને સ્વીકૃતિમાં એક સમયે ભારત દેશ પશ્ચિમી દેશોથી ઘણો પાછળ હતો, પરંતુ હવે ગતિભેર આગળ વધી ગયો છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો ભારત બહુ ઝડપભેર અગ્રણી દેશોની શ્રેણીમાં સામેલ થઇ રહ્યું છે. અમેરિકામાં ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી અંતર્ગત ઇએએસ, ડબલ્યુઇએ અને આઇપીડબલ્યુએસ જેવી બહુસ્તરીય ચેતવણી પ્રણાલી વર્ષોથી સક્રિય છે. એવી જ રીતે જાપાન, દક્ષિણ કોરિયા તથા યુરોપના કેટલાય દેશોમાં ભૂકંપ અને કુદરતી આફત માટે એલર્ટ સિસ્ટમ વિકસિત છે. આમ તો ભારતમાં બહુવિધ પ્રણાલી વિકસિત થઇ રહી છે જેમ કે હવામાન વિભાગની ચેતવણી, સાયરન સિસ્ટમ, ટીવી-રેડિયો બ્રેકિંગ એલર્ટ, મોબાઇલ એપ્સ વગેરે... આમ છતાં આ પ્રણાલીને એકસાથે-એકીકૃત અને સમયોચિત ઉપયોગ માટે ગોઠવવાની દિશામાં હજુ કામ બાકી છે. હવે `સચેત' કેન્દ્રીય પ્લેટફોર્મ-દેશવ્યાપી સિસ્ટમ બનવાની ક્ષમતા ધરાવે છે. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એટલે કે સીબીએસ પહેલાંની સામાન્ય એસ.એમ.એસ. પ્રણાલી કરતાં વધુ સારી અને ભરોસામંદ એટલા માટે છે કે નંબર ટુ નંબર મોકલાતા મેસેજમાં વિલંબની સંભાવના રહે છે જ્યારે સીબીએસ દ્વારા કોઇપણ ક્ષેત્રના તમામ મોબાઇલ ટાવર્સને એકસાથે સંદેશ પ્રસારિત કરશે, જેથી કટોકટીની સ્થિતિમાં એ સમયસરનું-વધુ વિશ્વસનીય માધ્યમ બની જશે. પૂર, ચક્રવાત, ભૂકંપ કે યુદ્ધ જેવી સ્થિતિમાં અમુક ક્ષણોમાં જ લાખો લોકો સુધી ચેતવણી પહોંચી જશે. ભારત બહુભાષી રાષ્ટ્ર છે અને અંગ્રેજી કે હિન્દીમાં દેશના દરેક ખૂણે સમજણ પહોંચાડવી મુશ્કેલ છે. એટલે જ આપણે વિશાળ વસ્તીને ધ્યાનમાં રાખીને ચેતવણી 19થી વધુ ભાષામાં લાગુ કરી છે. આમ છતાં સીબીએસ પ્રણાલીને હજુ ફુલપ્રૂફ કહેવું વહેલું ગણાશે. જ્યાં મોબાઇલ નેટવર્ક નથી મળતું અથવા સિગ્નલ નબળાં છે ત્યાં પ્રણાલીનું કામ સીમિત થઇ જાય છે. ફોન સ્વીચ્ડ ઓફ છે, બેટરી ચાર્જિંગ ખતમ થઇ ગયું છે અથવા તો ફોનધારકે સીબીએસ ફીચર બંધ રાખ્યું છે તો પણ સાવધાનીનો સંદેશ નહીં પહોંચે. ભારત ગ્રામીણ બાહુલ્ય વિસ્તાર છે. વીજળી પુરવઠો અને નેટવર્કની અનિયમિતતાની ફરિયાદ સામાન્યપણે વ્યાપક છે. એટલે જ નવી ટેકનોલોજી અપનાવવાની સાથે માળખાંકીય સુદૃઢીકરણે જરૂરી છે. એક મહત્ત્વની વસ્તુ એ છે કે, ફક્ત ચેતવણી જારી કરવાથી કામ પૂરું નથી થઇ જતું. પૂર્વ તૈયારી, ત્વરિત પ્રતિક્રિયા અને પુનર્વસન એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ભાગ છે. કચ્છ-ગુજરાતે અનેક ચક્રવાત વખતે પૂર્વ ચેતવણીના આધારે જાનમાલનું નુકસાન નિવાર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ભારતે વૈશ્વિક સ્તરે શાખ જમાવી છે. અલબત્ત, જળવાયુ પરિવર્તનના લીધે તોળાતાં જોખમોને જોતાં પડકાર વધી રહ્યા છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ પ્રણાલી ઉમદા પહેલ કહી શકાય. 

Panchang

dd