અમેરિકા અને ઇરાન યુદ્ધ દરમ્યાન ખાડી દેશોમાં મતભેદ ઝડપથી ઊભા
થઇ રહ્યા છે, ખાસ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
બંધ થયા પછી સ્થિતિ વધુ ને વધુ વિસ્ફોટક થવા લાગી છે. કેમ કે, આ રસ્તો બંધ થયા પછી જેમની અર્થવ્યવસ્થા તેલની નિકાસ પર આધારિત છે તેવા ખાડીના
મોટા દેશો ઉશ્કેરાટમાં આવી ગયા છે, તેનાં પરિણામે જ સંયુક્ત આરબી
અમીરાત એટલે કે, યુએઇના મુખ્ય તેલ ઉત્પાદક દેશોનાં સંગઠન ઓપેક
અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડયો... તેનો આ નિર્ણય ઇરાન-અમેરિકા
જંગનાં કારણે દુનિયાભરમાં ઊર્જાનું જે સંકટ ઊંભું થયું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા
હચમચી ઊઠી છે તે સંદર્ભે ઐતિહાસિક ગણાય છે, યુએઈનું કહેવું છે
કે, તેનો આ નિર્ણય દીર્ઘકાલીન રણનીતિ દર્શાવે છે, આર્થિક દૃષ્ટિકોણ અને બદલાતી ઊર્જા પ્રોફાઇલ તેમાં દૃષ્ટિગોચર થાય છે,
યુએઇના ઊર્જામંત્રી સુહૈલ મહમ્મદ અલ મઝરુઈનું કહેવું છે કે, આ નિર્ણયથી ઓપેકના નિયમોની બાધ્યતામાં લવચીકતા આવશે. ઓપેકને 60 વર્ષ પછી છોડવાનો યુએઇનો ફેંસલો
અચાનક નથી લેવાયો, પણ તેમાં લાંબા
સમયથી સર્જાયેલો અસંતોષ મુખ્ય કારણ છે, અબુધાબીને સતત એ વાતનો
ખટકો હતો કે, સાઉદી અરબ ઓપેક થકી તેલ ઉત્પાદનને નિયંત્રિત કરે
છે અને તેનાં કારણે યુએઇને ક્ષમતા મુજબ તેલ કાઢવા નથી અપાતું, જ્યારે યુએઇ વધુ તેલ ઉત્પાદન કરવાની ઇચ્છા દર્શાવે ત્યારે સાઉદી અરબ ઓછાં ઉત્પાદન
પર જોર આપતું. પરિણામે બન્ને દેશ વચ્ચે ખેંચતાણ થતી રહેલી. આ ખેંચતાણમાં પાકિસ્તાનનું
વલણ મુખ્ય કામ કરી ગયું, યુએઇને પાકિસ્તાન અમેરિકા-ઇરાન વચ્ચે
મધ્યસ્થી બનવાનું શરૂ કર્યું એ ગમ્યું નથી. ઊર્જા અનુસંધાનના પ્રમુખના મતે યુએઇનો નિર્ણય
ઓપેકના અંતની શરૂઆત બની શકે છે. વળી યુએઇના ગયા પછી ઓપેક સંગઠનની 15 ટકા ક્ષમતા ઘટી ગઇ છે, તેનો આ નિર્ણય ઓપેકના સર્વેસર્વા ગણાતા સાઉદી
અરબ માટે ઝટકા સમાન છે, તો ટ્રમ્પની જીત સમાન છે. ઓપેકથી અલગ
થવાનો યુએઇનો નિર્ણય માત્ર એક દેશની સંગઠનથી દૂરી નથી, પણ વૈશ્વિક
ઊર્જા રાજનીતિમાં મોટો વળાંક છે, કેમ કે, જો ઓપેકથી અલગ પડીને યુએઇ વૈશ્વિક તેલ બજારમાં વધારાની ઊર્જા પૂરી પાડશે તો
વિશ્વનું તેલ સંકટ હળવું બની શકશે. આ સ્થિતિ ભારતમાં ફાયદાકારક છે, ઉલ્લેખનીય છે કે, આપણો દેશ ઓપેક પાસેથી પોતાની ઊર્જા
સુરક્ષા માટે તેલ ઉત્પાદન વધારવાની માંગ કરતો રહ્યો છે. યુએઇના આ નિર્ણયનાં કારણે સાઉદી
અરબ માટે બાકીના દેશોને એકજૂટ રાખવાનો પડકાર છે, હવે જોવાનું
એ છે કે, યુએઇના રસ્તે અન્ય કયા દેશો જાય છે.