• મંગળવાર, 14 એપ્રિલ, 2026

નખત્રાણાના વથાણ ચોક પાસે અચાનક ટ્રાફિક જામ

નખત્રાણા, તા. 13 : આજે સવારના ભાગમાં નખત્રાણામાં ચક્કાજામ સર્જાયો હતો અને વાહનોના એટલા ધાડા લાગ્યા હતા કે પ્રશાસનને પણ નાકે દમ આવી ગયો હતો, પણ સમયસર કાબૂ મેળવી લેવાતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાત એમ હતી કે ગઇકાલે રવિવાર હોતાં મોટા પ્રમાણમાં હાજીપીરના મેળે શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઇને મેળો મહાલવા ગયા હતા અને આજે સોમવારના વહેલી સવારના એક સાથે હજારોની સંખ્યામાં વાહનો પરત નીકળતાં નખત્રાણા વથાણમાં વાહનોની કતાર લાગતાં મુશ્કેલી સર્જાઇ હતી. હાજીપીર રસ્તો નવો બની રહ્યો છે એટલે 50 ટકા વાહનો મોટી વિરાણી રસ્તે જતાં હતા. આમ વથાણમાં એક બાજુ મોટી વિરાણીથી વાહનોની અવર-જવર, બીજીબાજુ હાજીપીર હાઇવે જતો કોટડા રોડ - એમ ત્રિભેટે વાહનોના ધાડા ઉતરતાં સવારનાભાગમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ પ્રશાસને થોડા સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવીને એક સાઇડ ખુલ્લી કરી હતી. વહેલી સવારથી નખત્રાણા વથાણથી કે.વી. હાઇસ્કૂલ સુધી, તો વથાણથી મોટી વિરાણી વિસ્તારના મણિનગર, તો વથાણથી બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક અટવાયો હતો, જેમાં શાળાએ જતા બાળકોના વાહનો, એમ્બ્યુલન્સ પણ તકલીફમાં મૂકાયા હતા. પી.આઇ. શ્રી પટેલની દોરવણી હેઠળ પ્રશાસનના કર્મચારીઓએ રસ્તાના અવરોધ વાહનો દૂર કરીને એક લાઇન ખુલ્લી કરી ટ્રાફિક હળવો કરાયો હતો.

Panchang

dd