• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સોના-ચાંદીના વધતા ભાવથી ગામડાઓમાં ધંધાને માઠી અસર

કોટડા (ચકાર), તા.13 :  છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવોમાં થયેલા વિક્રમી વધારાને કારણે ગામડાઓમાં દાગીના સંબંધિત ધંધો મંદીનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને ખેડૂત, મજૂર અને મધ્યમવર્ગીય પરિવારો માટે લગ્ન પ્રસંગોમાં દાગીના ખરીદવા મુશ્કેલ બની રહ્યા છે. ગામડાઓમાં દીકરીના લગ્ન પ્રસંગે સોનાનો સેટ આપવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લગભગ 15 વર્ષ પહેલાં (2010 આસપાસ) સોનાનો ભાવ તોલા દીઠ અંદાજે રૂા. 1 લાખ હતો, જે હવે વધીને અંદાજે રૂા. 7 થી 7.5 લાખ કે તેથી વધુ સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં પરિવારો માટે પરંપરા જાળવવી મુશ્કેલ બની રહી છે. ચાંદીના દાગીનાઓ જેમ કે કડલા, ઝાંઝર, પાયલ, મંગડી વગેરે પણ ભાવવધારાના કારણે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યા છે. પહેલાં ગામડાઓમાં આવા દાગીનાઓ સરળતાથી ખરીદવામાં આવતા, પરંતુ હવે માત્ર પ્રતીક રૂપે ઓછી માત્રામાં જ ખરીદી કરે છે. કોટડા (ઉગમણા) વિસ્તારમાં સોના-ચાંદીના વેપારીઓ કીર્તિભાઈ સોની અને મુકેશભાઈ સોનીના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિમાં ગ્રાહકો ભાવ સાંભળીને અચંબામાં પડી જાય છે. વળી લોકો શહેરોમાં જઈને દાગીના ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે ગામડાના સોનીઓને ઓર્ડર આધારે જ દાગીના બનાવવાની ફરજ પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સોનાં-ચાંદીનો પૂરતો સ્ટોક રાખતા, પરંતુ હાલના ઊંચા ભાવને કારણે સ્ટોક રાખવો જોખમભર્યો બન્યો છે. હવે ગ્રાહકના ઓર્ડર મુજબ જ દાગીના તૈયાર કરાય છે. કચ્છી કારીગરીના દાગીના આજે પણ લોકપ્રિય છે, પરંતુ વધતા ખર્ચને કારણે માંગમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાંથી તૈયાર દાગીના મગાવવાનું વલણ પણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે ગામડાઓમાં સોનાચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓ પર માઠી અસર પડી રહી છે. ધંધામાં મંદી સાથે આવક ઘટતા અનેક કારીગરો અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બન્યા છે. સોના-ચાંદીના વધતા ભાવોની સીધી અસર ગામડાઓના સામાજિક જીવન અને પરંપરાગત વ્યવહાર પર પડી રહી છે. લગ્ન પ્રસંગોમાં લોકો ખર્ચ ઘટાડવાની દિશામાં વિચારતા બન્યા છે.

Panchang

dd