અમેરિકા અને ઇરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા
સરિયામ નિષ્ફળ જતાં અખાતની લડાઇ ફરી ઉગ્ર બનવાની દહેશત સેવાઇ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારથી જ તેહરાનને એક પછી એક ધમકીઓ આપી
અને હોર્મુઝ ખાડી ખુલ્લી કરવા માટે ચેતવ્યું છે કે,
તે માનશે નહીં તો અમેરિકા અભૂતપૂર્વ કાર્યવાહી કરવા અચકાશે નહીં. આ લખાય
છે ત્યારે ઇરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ છોડી ગયા છે. ઇરાની પ્રતિનિધિ
મંડળે કહ્યું છે કે, અમેરિકા માત્ર પોતાનો અધિકાર અને શરતો થોપવા
માગતું હતું. વળી યુદ્ધની ભીષણ સ્થિતિ હોય ત્યારે એક જ બેઠકમાં સમાધાનની આશા રાખી શકાય નહીં. ઇરાન પોતાની વાત પર મક્કમ હોવા
છતાં એના શબ્દોમાં આવનારી ભીષણ સ્થિતિની ચિંતા વર્તી શકાય છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
જે. ડી. વેન્સે મંત્રણા વિફળ રહ્યાનું સ્વીકારતાં કહ્યું કે, બંને દેશ વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ એ સાચું છે, પણ ઇરાનને ફાઇનલ અને બેસ્ટ ઓફર આપી દેવામાં આવી છે જે માનવી કે ન માનવી એનો
તેમના ઉપર મદાર છે. ઇરાને તેને ફાલતુ માંગ લેખાવી છે. વેન્સે એમ પણ કહ્યું કે,
સમાધાન ન થવું એ અમેરિકા કરતાં ઇરાન માટે વધુ ગોઝારા સમાચાર છે. ચીન
અને તુર્કીના પાછલા બારણે પ્રયાસોના ફળસ્વરૂપ પાકિસ્તાને શાંતિ મંત્રણા યોજવાના પ્રયત્ન
આદર્યા ત્યારથી જ વાટાઘાટ વિફળ રહેવાની આશંકા હતી જ. હોર્મુઝ ખાડી અને ઇરાન પાસેના
યુરેનિયમનો જથ્થો વાતચીત તૂટી પડવાના મુખ્ય
કારણોમાંના એક હોવાનું મનાય છે. ઇરાને વાતચીત પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે,
તેના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ ખાડી પર નિયંત્રણના મામલે કદી પીછેહટ
નહીં કરે. ઇઝરાયલની ભૂમિકા પહેલેથી સંદેહાત્મક રહી હતી. ઇઝરાયલે વાટાઘાટનું સમર્થન
કર્યા વિના લેબેનોન પર ભીષણ હુમલા ચાલુ રાખીને ઇરાનમાં બેચેની જગાવી રાખી હતી. અમેરિકા-ઇઝરાયલ
યુદ્ધમાં એક હોવા છતાં યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણામાં બંને દેશોનું વલણ સ્પષ્ટ રીતે
જુદું પડે છે. ઇઝરાયલે શનિવારે ચાલુ મંત્રણાએ એલાન કર્યું હતું કે, અમુક લક્ષ્ય હાંસલ કરવાના બાકી હોવાથી તે ઇરાન સામે કાર્યવાહી જારી રાખશે.
યુદ્ધ ઉન્માદી દેશોને વિનાશ અને જાનમાલની અપાર નુકસાનની પરવા નથી હોતી. હકીકતમાં આ
યુદ્ધે દુનિયાની હાલત બગાડી નાખી છે. પખવાડિયાનો યુદ્ધવિરામ હવે ટકી રહે એમ જણાતું
નથી. ઓસ્ટ્રેલિયાએ અપીલ કરી છે કે, અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ જાળવી
રાખે, પરંતુ બધો મદાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર છે. અમેરિકાનો સ્પષ્ટ
આગ્રહ છે કે, ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મૂકે અને હોર્મુઝ
ખાડી વિના શરતે ખુલ્લી મૂકે. ઇરાનના પરમાણુ
કાર્યક્રમ થકી ઇઝરાયલ આક્રમણ કરવા પ્રેરાયું છે અને અમેરિકાએ પણ તેમાં ઝુકાવી દેતાં
બે મહિનાથી વિશ્વને ભયંકર વિનાશ જોવા મળ્યો છે. ભારત સહિત દુનિયા આખી યુદ્ધની આડઅસરથી
પરેશાન છે. પેટ્રોલિયમ પેદાશો-ગેસના ભાવ આકાશને આંબવા લાગ્યા છે. સામાન્ય મોંઘવારી
ભડકી ઊઠી છે. અનેક સેક્ટરમાં આયાત-નિકાસ ખોરવાતાં
અને કાચો માલ અટકી પડતાં ફેક્ટરીઓ બંધ પડી છે. રોજગારીનો વિકરાળ પ્રશ્ન બેકાબૂ બન્યો છે. હવે શું ? એ પ્રશ્ન ડરામણો છે. પાકિસ્તાન ઘરઆંગણે મધ્યસ્થકારની ભૂમિકામાં રહ્યા પછી પોરસાઇ
રહ્યું છે અને શાંતિના નોબેલની વાતો થઇ રહી છે. હકીકત એ છે કે, અશાંતિ અને આતંકના જન્મદાતા દેશની
ઓરા જ એટલી નકારાત્મક છે કે, કોઇ સારું કામ ત્યાં થવું
શક્ય જ નથી. મધ્ય-પૂર્વને ફરી વિનાશની આગમાં ધકેલાતું રોકવા માટે શાંતિ મંત્રણાની નવી
તક ઊભી થવી જોઇએ. ભારતની ભૂમિકા માટે વ્યાપક અપેક્ષા અને અવકાશ હોય એ સ્વાભાવિક છે.