નવી દિલ્હી, તા. 13 : `િવકસિત' બનવાની દિશામાં દોડી
રહેલા દેશમાં પણ સામાન્ય માણસ માટે આજેય મોંઘવારી માથાંનો દુ:ખાવો જ બની રહી છે.
મહાયુદ્ધની અસરથી આ દુ:ખાવો વધ્યો છે. છૂટક મોંઘવારી માર્ચ મહિનામાં વધીને 3.4 ટકા
થઇ ગઇ છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત વધતાં છૂટક મોંઘવારી વધી હોવાનું સરકારે
સોમવારે જારી કરેલા આંકડા પરથી જાણવા મળે છે. ખાદ્યાન્ન મોંઘવારી ફેબ્રુઆરીના 3.47 ટકાથી
માર્ચમાં વધીને 3.71 ટકા થઇ ગઇ હતી. ગ્રામીણની તુલનાએ શહેરી
ભાગોમાં મોંઘવારી થોડી ઓછી રહી. ગ્રામીણ મોંઘવારી 3.37માંથી 3.63 ટકા
અને શહેરોમાં ફેબ્રુઆરીના 3.02થી વધીને માર્ચ મહિનામાં 3.11 ટકા
થઇ ગઇ હતી. અમેરિકા અને ઇરાન વચ્ચે સંઘર્ષથી વધેલી તાણ અને ઊર્જા સંકટના ઉચાટની પણ
અસર છૂટક મોંઘવારી પર થઇ છે. આ યુદ્ધ હજુ લાંબું ચાલશે તો ભારતમાં મોંઘવારી આવનારા સમયમાં વધુ વધી શકે છે, તેવી ભીતિ પણ જાણકારો
વ્યક્ત કરી રહ્યા છે. સરકારે 2024ને બેઝ યર તરીકે ગણીને મોંઘવારી
માપવા માટે નવી પદ્ધતિ અમલી કર્યા બાદ આજે જાહેર કરાયેલો મોંઘવારીનો આ ત્રીજો
આંકડો છે.