• મંગળવાર, 14 એપ્રિલ, 2026

પ.બંગાળમાં 34 લાખ મતદાતા મત આપી શકશે નહીં

નવી દિલ્હી, તા.13 :  પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા અંગેના મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે લોકોના નામ હટાવવામાં આવ્યાં છે અને જેમની અપીલ હજુ પડતર છે તેમને હાલમાં મતદાન કરવાનો અધિકાર મળશે નહીં. આ નિર્ણયથી આશરે 34 લાખ મતદારોને અસર પહોંચી શકે છે. સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા દરમ્યાન હટાવવામાં આવેલા નામ ધરાવતા મતદારોને કામચલાઉ રીતે મત આપવાની અનુમતિ આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આમ કરવું એ સંપૂર્ણ ચૂંટણીપ્રક્રિયાને અસર પહોંચાડી શકે છે. સુનાવણી દરમ્યાન ટીએમસી નેતા કલ્યાણ બેનરજીએ જણાવ્યું હતું કે આશરે 16 લાખ અપીલ દાખલ કરવામાં આવી છે અને આ લોકોને ચૂંટણીમાં મત આપવા દેવો જોઈએ. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું કે કુલ અપીલની સંખ્યા 34 લાખ સુધી પહોંચી ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે આ માંગને ફગાવતાં કહ્યું હતું કે તે સંભવ નથી. કેમકે જો આમ કરવામાં આવશે તો મતદાન અધિકારોને સ્થગિત કરવા પડશે. ચૂંટણી પંચ અગાઉ જ બંગાળની મતદાર યાદીને ફ્રીઝ કરી ચૂક્યું છે. હવે સુપ્રીમ કોર્ટના વિશેષ આદેશ વિના કોઈ નવું નામ તેમાં જોડી શકાય નહીં. કોર્ટે 13 લોકોની અરજીને `સમય પહેલાંની'ગણાવતાં કહ્યું કે તેને પહેલાં અપીલીય ટ્રિબ્યુનલમાં લાવવી જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેણે મામલાના ગુણ-દોષ પર કોઈ ટિપ્પણી કરી નથી.

Panchang

dd