માંડવી, તા. 13 : સરહદના
સંત્રી હાજીપીરવલીના મેળામાંથી વળતિયાઓ રસમ મુજબ અત્રેની મખ્દુમશાપીરની દરગાહ શરીફ
ખાતે સલામે આવતાં ગઇકાલથી આજે દિવસભર બહોળી સંખ્યામાં મેદની ઊભરાતાં શહેરના માર્ગો, દરિયાકિનારે મેળાનો
માહોલ સર્જાયો હતો. આજે સવારથી પોસ્ટ ઓફિસથી ભુજ ઓકટ્રોય સુધીનો રોડ ભરચક
ટ્રાફિકજામનો ભોગ બન્યો હતો. ખાણીપીણીના ધંધાર્થી સ્થળો ઉપર તડાકો અનુભવાયો હતો.
રૂકમાવતી નદીની સામે પાર કાશીવિશ્વનાથ તરફનો હાજીહશન રોડ, મસ્કા
ઓકટ્રોયથી ભુજ ઓકટ્રોય નાકાથી લઇને સમગ્ર નલિયા રોડ ભરચક બન્યો હતો. વાહનોની લાંબી
કતારોથી રૂકમાવતી પુલ ઊભરાઇ ગયો હતો. ગૌરવ પથ ઉપર સ્નાનઘાટ ગરમીથી ત્રાસેલાઓ માટે
આશીર્વાદરૂપ બન્યો હતો. મેલાં કપડાં ધોવા, સૂકવવા, સ્નાન કરવા જેવી જરૂરતો, ખાણી-પીણીના સ્થાનો ઉપર
ઘરાકી વધતાં કેટલીય જગ્યાએ `માલ નથી' જેવા ઉદ્ગારો સંભળાયા
હતા. વિન્ડફાર્મ ઉપર પણ ગઇ સાંજે, રાત્રે અને આજે સહેલાણીઓ
સાગરના મોજાં જેમ ઉછળ્યા હતાં. આ દરમ્યાન પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જરૂરિયાત
મુજબ બે લાઇનોવાળા માર્ગને `વનઅવે' તરીકે અમલ કરાવી
અપેક્ષિત કામગીરી કરી હોવાનું જાણકારોએ કહ્યું હતું.