• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

રાજસ્થાન કોંગ્રેસનું સમાધાન કેટલું ટકાઉ ?

રાજસ્થાનનું રાજકીય સંકટ શાંત પડયું હોવાના સંકેત છે. સચિન પાયલટને સમજાવી દીધા હોવાનો દાવો કોંગ્રેસ હાઈ કમાન્ડે કર્યો છે. જો કે, આ સમાધાન કે શાંતિ કેટલો સમય રહે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે, આવું પહેલીવાર બન્યું નથી. 2024માં લોકસભાની ચૂંટણી છે, રાજસ્થાનમાં ધારાસભાની ચૂંટણી આવશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શું સ્થિતિ થઈ તે સર્વવિદિત છે ત્યાર પછી ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં ધારાસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મળેલી પછડાટ પછી હવે આંતરિક લડાઈ બંધ કરવાની સલાહ કોંગ્રેસને કોઈએ બહારથી આપવી પડે તેવું બનવું જોઈએ નહીં. આવા કલહને લીધે જ કોંગ્રેસે મધ્યપ્રદેશની સત્તા અને જ્યોતિરાદિત્ય જેવા યુવા નેતા ગુમાવ્યા. અશોક ગેહલોત કોંગ્રેસના પરિપક્વ રાષ્ટ્રીય નેતા છે. દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ કથળતી જતી હતી તેવા સમયમાં તેમણે પાર્ટીને ટકાવવા માટેના પ્રયાસો કર્યા છે અને ઘણે અંશે સફળ રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ તેમની કુનેહનો ફાયદો કોંગ્રેસને થયો છે, પરંતુ યુવા નેતા સચિન પાયલટ છેલ્લા ઘણા સમયથી પોતાની જ પાર્ટીની સત્તાથી, મુખ્યમંત્રીથી નારાજ છે. વર્તમાન સરકાર આરુઢ થઈ ત્યારે સચિનને મુખ્યમંત્રી ન બનાવાયા. ગેહલોત વરિષ્ઠ હતા, જીતમાં તેમનું યોગદાન વધારે હશે કે કોઈ પણ કારણ હોય, પરંતુ મુખ્યમંત્રી તેઓ બન્યા. શરૂઆતમાં તો સચિન પાર્ટીલાઈનમાં રહ્યા, પરંતુ ચૂંટણી નજીક આવતાં જ તેઓ સક્રિય થયા છે. કોંગ્રેસના વર્તમાન કોઈપણ નેતાના ફોટો વગર ઉપવાસ આંદોલન, પાંચ દિવસની પદયાત્રા જેવા રાજકીય કાર્યક્રમો તેમણે આપ્યા. નામ તો તેમણે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાનું લીધું, પરંતુ નિશાન પર ગેહલોત જ હતા. પોતાના જ પક્ષના ધારાસભ્યો પર શંકા કરતા હોવાનો આક્ષેપ ગેહલોત પર સચિને કર્યો હતો. બન્ને વચ્ચેનું રાજકીય અંતર મોટું છે તે પણ અજાણ્યું નથી. બન્ને વચ્ચે સમાધાન થયું હોવાનો દાવો મોવડીમંડળે કર્યો છે. જો કે, આ કેટલું ટકે તે સવાલ છે. વાસ્તવમાં અશોક ગેહલોત, સચિન પાયલટ અને કોંગ્રેસ મોવડીમંડળ ત્રણેયની આ મજબૂરી છે. સચિન બીજા કોઈ પક્ષમાં જાય તો તેમને મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવાય તેવી સંભાવના નથી. રાજકીય ભાવિ સામે પ્રશ્ન ઊભો થાય. જો આંતરિક ઝઘડો લંબાય તો ગેહલોત પુન: કોંગ્રેસ સરકાર રાજસ્થાનમાં રચાય તે માટે જે મહેનત કરી રહ્યા છે તે એળે જાય તેવું બને. કોંગ્રેસ પક્ષની છબી વધારે ખરડાય તેવી શક્યતા છે. કોંગ્રેસ મોવડીમંડળ જો ગેહલોતનો પક્ષ લે તો યુવાનેતાઓને તે પ્રોત્સાહન નથી આપતું તેવી છાપ વધારે ઘેરી બને. કોંગ્રેસ પાસે આમ પણ યુવા નેતાઓ નથી. હવે પછીની ચૂંટણીઓમાં યુવા મતદારો, કાર્યકર્તાઓને આકર્ષવા માટે તેણે સચિનને પણ સાચવવા તો પડે જ. પોતપોતાની સ્થિતિને લીધે ત્રણેય સમાધાન પર આવ્યા છે. કર્ણાટકમાં પણ જેમ લટકતી તલવાર છે તેમ રાજસ્થાનનું  સમાધાન કેટલું ટકાઉ છે તે સમય કહેશે. જો કે, કોંગ્રેસે આંતરિક ખેંચતાણ છોડીને પક્ષની એક્તાને એજન્ડા બનાવવો જોઈએ તો જ તેને આગામી ચૂંટણીઓમાં લોકો સ્વીકારશે. 

Janmadin Vishesh Purti

Panchang