• મંગળવાર, 22 એપ્રિલ, 2025

ભાષાનો ધર્મ નથી

આજે આપણા દેશનાં ઘણાં રાજ્યોમાં ભાષાવાદનું ભૂત ધૂણી રહ્યું છે. તામિલનાડુમાં હિન્દી ભાષા વિરોધ હિંસક આંદોલન પણ થયાં છે. અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાની અસ્મિતાના નામે વિવાદ થઈ રહ્યા છે. ઉર્દૂ ભાષા મુસ્લિમ સમાજની અને હિન્દી ભાષા હિન્દુઓની હોય એવી માન્યતા ઉત્તેજિત થઈ રહી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સુધાંશુ અને કે. વિનોદચંદ્રને વિદ્વાનો અને ભાષાશાત્રીઓની પણ આંખ અને હોઠ ખૂલે તેવો ખુલાસો અને ચુકાદામાં સંદેશ આપ્યો છે : ભાષાનો ધર્મ નથી. ઉર્દૂ ભાષા ભારતીય છે, વિદેશી નહીં. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સુધરાઈના એક બિલ્ડિંગ ઉપર ઉર્દૂ ભાષામાં પાટિયું-બોર્ડ છે તે હટાવવાની માગણી હતી. મુંબઈ હાઈકોર્ટમાં અરજી થઈ અને ચુકાદો આવ્યો કે, મહારાષ્ટ્રના સ્થાનિક વ્યવહારમાં સત્તાવાર (સરકારી) ભાષાનો વર્ષ 2022નો જે કાયદો છે, તેમાં ઉર્દૂ ભાષા વાપરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. આ ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ થઈ. હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન આપતાં ન્યાયમૂર્તિઓએ ઉર્દૂ ભાષાના વિરોધીઓને ભારતીય ભાષાઓનું યોગ્ય જ્ઞાન આપ્યું છે! ભારતની ભિન્નતામાં એકતા છે. ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો હતો. ઉર્દૂ ભારતીય ભાષા છે અને કોઈ ધર્મ વિશેની ભાષા નથી. ભાષાનો વિવાદ આઝાદી પહેલાં પણ હતો. હિન્દી, ઉર્દૂ અને પંજાબી ભાષાના મિશ્રણથી હિન્દુસ્તાની ભાષા બની અને ભારતની રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવાની હતી, પણ પાકિસ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કર્યા પછી હિન્દુસ્તાનીનો ભોગ લેવાયો અને હિન્દીને સ્થાન અપાયું : પર્સિયન શબ્દ `િહન્દવી' ઉપરથી હિન્દી શબ્દ આવ્યો છે! વિવિધતામાં એકતાની આપણી સંસ્કૃતિ છે-જેમાં આપણી વિવિધ ભાષાઓનો પણ સમાવેશ છે. વર્ષ 2001ની વસતી ગણતરી મુજબ આપણા દેશમાં કુલ 122 મુખ્ય ભાષા છે અને 234 માતૃભાષા `બોલી' છે. ભારતમાં સૌથી વધુ વપરાતી-ભાષાઓમાં ઉર્દૂ છઠ્ઠા નંબરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો બહોળી સંખ્યામાં ઉર્દૂ ભાષી છે. ન્યાયમૂર્તિ કહે છે-ઉર્દૂ પ્રતિના પૂર્વગ્રહથી પ્રચાર થાય છે કે, આ વિદેશી ભાષા છે! હકીકતમાં હિન્દી, મરાઠીની જેમ ઉર્દૂ પણ ભારતીય-આર્યન ભાષા છે. સામાન્ય સંવાદ અને સંદેશવ્યવહાર ઉપરાંત ન્યાયતંત્રમાં પણ `અદાલત'-હલફનામા, પેશી જેવા શબ્દપ્રયોગ સામાન્ય છે! મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદાને સમર્થન આપતાં સુપ્રીમકોર્ટે કહ્યું છે કે, સુધરાઈનું કામ સ્થાનિક રહેવાસીઓને એમની રોજિંદી જરૂરિયાતોની સેવા આપવાનું છે અને સ્થાનિક રહેવાસીઓમાં જો ઉર્દૂ પ્રચલિત હોય તો હોર્ડિંગ-નામનાં પાટિયાં ઉર્દૂમાં લખાય તેમાં કાંઈ ખોટું નથી...!! ઉર્દૂ ભારત માટે બહારની ભાષા નથી અને ભાષાને ધર્મ સાથે નહીં પણ ચોક્કસ સમાજ, ક્ષેત્ર અને લોકો સાથે સંબંધ હોય છે. ભાષા શિક્ષણ અને અભ્યાસનું માધ્યમ બન્યું એ પહેલાં તેનો જૂનો તથા પ્રાથમિક આશય અસરકારક સંવાદ સાધવાનો હતો. સુપ્રીમકોર્ટના ચુકાદા અને ભારતીય ભાષાઓ વિશેના જ્ઞાનબોધ પછી હવે આપણા ભાષા વિવાદકો બોધપાઠ લેશે ખરા?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd