ભુજ, તા. 21 : સરળ
ખેતી, ગતિશીલ ખેતી, ઓછા સમયમાં વધુ ખેતી,
ખેડૂતને વેપારી, કારોબારી બનાવતી ખેતપેદાશોની મૂલ્યવૃદ્ધિ,
જમીનનું જતન, પાકનું રક્ષણ... આવી તો અનેક `ખેતીપોષક' ટેક્નોલોજિસ, સિસ્ટમ્સનાં જીવંત નિદર્શન, પ્રદર્શન, તજજ્ઞો દ્વારા માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓથી મિરજાપર રોડ સ્થિત પ્રાઇમ લોકેશન
ગ્રાઉન્ડનું વિશાળ પરિસર ગાજી ઊઠયું હતું. મુખ્ય પ્રાયોજકો અદાણી ફાઉન્ડેશન,
અદાણી પેટ્રોકેમિકલ્સ તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના આધારભૂત સહયોગથી નર્મી
અને કચ્છમિત્ર યોજિત 14મા
હાઇટેક કૃષિ-ડેરી એક્સપોના ત્રીજા દિવસે સોમવારે માકપટથી મુંદરા પંથક, અંજારથી આહીરપટ્ટી, પાવરપટ્ટી પંથક સહિત કચ્છભરમાંથી
કિસાન સમુદાય ઊમટી પડયો હતો. આવતીકાલે મંગળવારે છેલ્લો દિવસ છે. આયોજકો, પ્રાયોજકોએ `કૃષિના
કુંભ' જેવા મેળામાં કચ્છના ખૂણે-ખૂણેથી મુલાકાત લેવા કિસાનોને અપીલ
કરી હતી. મુખ્ય પ્રાયોજક એગ્રોસેલના અધ્યક્ષ અને પીઢ સમાજચિંતક દીપેશભાઇ શ્રોફ,
એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે
આજે સોમવારથી સવારે વિશ્વકર્મા એન્જિનીયરિંગ અને મારૂ ડ્રોન્સ કંપનીના એગ્રિકલ્ચરલ
ડ્રોન્સનું વિશાળ મેદાન પર હવામાં ઊંચે સુધી ઉડાડીને જીવંત નિદર્શન કરાયું હતું. આ
લાઇવ ડેમોએ ઊમટેલા કિસાન સમુદાયમાં ભારે રોમાંચ સાથે ખુશી ફેલાવી હતી. અંગદાન ચેરિટેબલ
ટ્રસ્ટના મોભી દિલીપભાઇ દેશમુખના હસ્તે રિમોટની ચાંપ દબાવી ડેમો કરાવાયો હતો. મુખ્ય
પ્રાયોજક અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાત રાજ્યનાં સીએસઆર હેડ પંક્તિબેન શાહ, માવજીભાઇ બારૈયાનાં માર્ગદર્શન હેઠળ મણિલાલ માવાણી પરિવારના ભાવેશભાઇ અને તેમના
બિઝનેસ વૂમન પત્ની જુલીબેન માવાણીએ જાતે પોંખી, પકવેલી વિવિધ
ખેતપેદાશોની મૂલ્યવૃદ્ધિ કિસાનોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. પ્રકૃતિના ખોળે ખેતીના
પ્રખર પ્રચારક મનોજ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ રામકૃષ્ણ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા નિર્મિત
વિવિધ ગાય આધારિત ઉત્પાદનો, ઔષધિઓને પણ મુલાકાતીઓએ વખાણી હતી.
નેનો ટેક્નોલોજીનો ખેતીમાં ઉપયોગ ફસલ અને ફાયલોમાં વેધર સ્ટેશનની મદદથી હવામાનની આગોતરી
જાણકારી, જૈવિક-પ્રવાહી ખાતર, કૃષિ કચરાનો
જમીનના જતન માટે જ ઉપયોગ, અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આઇસર,
કુબોટોના ટ્રેક્ટર્સ, રોટાવેટર, ઓટોમેટિક ઓરણી જેવી કૃષિ મશીનરી આ બધું ખરેખર જોવા, જાણવા,
સમજવા જેવું છે. વાજબી દરે સોલાર ફેન્સ ગાર્ડ, વજન કાંટા, કૃષિ કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પદ્ધતિ,
તેના માટેનાં સાધનો, ફળ પાકોના રક્ષણ માટે વિવિધ
પ્રકારના ક્રોપ કવર, દાડમ - મરચાં જેવા પાકો માટે વધુ વિસ્તારમાં
ઓછી દવાનો છંટકાવ કરી આપતા સ્પ્રે પંપ, પાકની મૂલ્યવૃદ્ધિ માટેનાં
સાધનો આકર્ષણ જમાવી રહ્યાં છે. કચ્છી બાગાયત
માટે એક્સપોમાં આવાકાડો અનોખું આકર્ષણ હાઇટેક કૃષિ-ડેરી એક્સપોનાં આયોજનમાં સદાય સહયોગ
પૂરો પાડતા પ્રયોગશીલ કિસાન અગ્રણી અને આશાપુરા ફાર્મના સૂત્રધાર હરેશ મોરારજી ઠક્કરે
જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ પર આવાકાડોની ખેતીનો પ્રયોગ થવા
જઇ રહ્યો છે. આંખને ઠંડક આપે તેવા લીલા રંગનું આ અદભુત ફળ ઔશધીય સંપત્તિઓથી ભરપૂર છે.
એક્સપોમાં આવાકાડો આકર્ષણ જમાવી રહ્યું છે. કૃષિ-ડેરી એક્સપોના ત્રીજા દિવસે સોમવારે
છેક મુંબઇ, પુનાથી કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ આવ્યા હતા,
તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર)ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રો. એસ.કે.
ત્યાગી, કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના એસોસિયેટ પ્રોફેસર
ડો. વિજય રામ આકાશવાણી, ભુજ કેન્દ્રના `ગામ જો ચોરો'ના મીઠુભા, ઓ.ટી.
કારિયા, ડો. નવુભા સોઢા, ડો. રાજેશ જેસવાણી
સહિત અગ્રણીઓએ ખાસ મુલાકાત લીધી હતી.