કોલકાતા, તા. 21 : કપ્તાન
ગિલ (90), સાઇ સુદર્શન
(52) અને જોસ બટલર (41)ના
આક્રમક બેટિંગ પ્રદર્શન બાદ બોલિંગ મોરચે પ્રભાવી દેખાવ કરતાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા
નાઇટ રાઇડર્સને તેના ગૃહ મેદાન ઇડન ગાર્ડન પર 39 રને
હરાવીને સ્પર્ધાની છઠ્ઠી જીત દર્જ કરી હતી. 199 રનનું
લક્ષ્ય આપી ગુજરાત કોલકાતાને 20 ઓવરમાં
આઠ વિકેટે 159 રન પર સીમિત
રાખી હતી. સતત પડતી વિકેટોથી દબાણમાં દેખાતી કોલકાતા ટીમના બેટધરો પણ સારો દેખાવ ન
કરી શકતાં ટીમે મેચ 39 રનના
અંતરથી ગુમાવી હતી. અંગકૃષ રઘુવંશી 27 રન
બનાવીને હર્ષિત રાણા (1) સાથે
અણનમ રહ્યો હતો. 199ના લક્ષ્યને પાર પાડવા ઊતરેલી
કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆતથી જ ગુજરાતના બોલર્સ પ્રભાવી જણાયા હતા. પહેલી જ ઓવરના
પાંચમા દડે ઓપનર રહેમનુલ્લાહ ગુરબાઝ (1)ની
બે રને વિકેટ ગુમાવ્યા બાદ સુનીલ નારાયણે કપ્તાન અજિંક્ય રહાણે સાથે દાવ આગળ ધપાવ્યો, પરંતુ છઠ્ઠી ઓવરમાં 50ના
સ્કોરે નારાયણે 17 રને વિદાય લીધી હતી. તે પણ રિંકુ
સિંહ (17), આન્દ્રે રસેલ
(21), રમણદીપ સિંહ (1), મોઇન અલી (0) સમયાંતરે
વિદાય લેતાં ટીમની મુશ્કેલી વધી હતી. એકમાત્ર કપ્તાન રહાણેએ બોલરોનો પ્રતિકાર કર્યો
હતો અને 36 દડામાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે 50 રન
બનાવ્યા હતા. ગુજરાતના બોલરો પૈકી તમામને વિકેટ મળી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ
ખાને બે-બે જ્યારે સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ
ખેરવી હતી. આ પહેલાં, શુભમન ગિલની 90 રનની કેપ્ટન ઇનિંગ્સની મદદથી આઇપીએલની આજની મેચમાં
કોલકાતા નાઇટ રાઈડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરના
અંતે 3 વિકેટે 198 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ટાઇટન્સ તરફથી ઈન
ફોર્મ બેટધર સાઇ સુદર્શને આક્રમક અર્ધસદી કરી હતી. જયારે જોસ બટલર ડેથ ઓવર્સમાં પાવર
હિટિંગ કરીને 41 રને અણનમ રહ્યો હતો. કેકેઆર કપ્તાન
રહાણેએ ગૃહ મેદાન ઇડન ગાર્ડન પર ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ટાઈટન્સના ઓપનર કપ્તાન
શુભમન ગિલ અને સાઇ સુદર્શને પાવર પ્લેમાં ધીમી બેટિંગ (6 ઓવરમાં 4પ
રન) બાદ કેકેઆરના બોલર્સને હંફાવીને પહેલી વિકેટમાં 7પ દડામાં 114 રનની
ઝડપી ભાગીદારી કરી હતી. સાઇ સુદર્શન તેનું શાનદાર ફોર્મ જાળવીને ઓરેન્જ કેપની રેસમાં
ટોચ પર પહોંચી ગયો હતો. આજે તેણે કેકેઆર સામે 36 દડામાં
6 ચોગ્ગા-1 છગ્ગાથી
બાવન રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ પછી કપ્તાન ગિલ અને બટલરે ખભા ઉંચકી બેટિંગ કરી
હતી. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 33 દડામાં
પ8 રનનો ઉમેરો થયો હતો. ગિલ 10 રને સદી ચૂકી ગયો હતો. તે પપ દડામાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાથી
90 રને આઉટ થયો હતો. તેવતિયા ઝીરોમાં આઉટ થયો હતો. અંતમાં
બટલર 23 દડામાં 8 ચોક્કાથી 41 રને
શાહરૂખ ખાન 11 રને નોટઆઉટ રહ્યા હતા. આથી જીટીના
3 વિકેટે 198 રન
થયા હતા અને કેકેઆરને વિજય માટે 199 રનનું
લક્ષ્ય મળ્યું હતું. વૈભવ અરોરા, હર્ષિત રાણા અને આંદ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.