• મંગળવાર, 22 એપ્રિલ, 2025

પડાણા નજીક ચોરાઉ મનાતા સી.પી.યુ. તેલ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 21 : તાલુકાના પડાણા નજીક પંચરત્ન માર્કેટ પાસેથી રૂા. 66,150ના ચોરાઉ સી.પી.યુ. તેલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર હાથમાં આવ્યો ન હતો. પડાણા નજીક પંચરત્ન માર્કેટ પાસે ઊભેલા આઈસર કન્ટેઈનર ટ્રકની પોલીસે તપાસ કરતાં તેમાં 35 લિટરની ક્ષમતાવાળા કાળા, વાદળી રંગના 21 કેરબા મળી આવ્યા હતા. આ વાહન પાસે ઊભેલા ચાલક મૂળ ઉત્તરપ્રદેશના બેદુર રહેમાન લાલ મોહમદ ખાન પાસેથી તેના આધાર- પુરાવા મગાતાં તે આપી શક્યો ન હતો. વાહન નંબર જી.જે. 27-વી-5641ના આ વાહનચાલકની વધુ પૂછપરછ કરાતાં ધોરીમાર્ગ પાસેથી સી.પી.યુ. તેલ ભરીને નીકળતા ટેન્કરચાલકોને રૂપિયાની લાલચ આપી તેમનાં વાહનોમાંથી તેલ કાઢી અંજારના જિગર નટુ ઠક્કરે પંચરત્ન માર્કેટમાં આવેલી પોતાના કબજાની દુકાનમાં તેલ સંગ્રહ કરી રાખ્યું હતું અને  અહીંથી તેલ ભરી લાવવા મોકલાવ્યું હોવાની કેફિયત પકડાયેલા શખ્સે પોલીસ સમક્ષ આપી હતી. હાથમાં ન આવેલા અંજારના  મુખ્ય સૂત્રધાર જિગર ઠક્કરને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ગાંધીધામથી સૂરજબારી અને આડેસરના પટ્ટા સુધીમાં ધોરીમાર્ગની આસપાસ બેઝ ઓઈલ, બાયોડીઝલના અનેક પોઈન્ટ ધમધમી રહ્યા છે, જે ખૂબ જ ઘાતક છે. આવા પોઈન્ટ બંધ નહીં કરાય તો આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવાની આશંકા જાણકાર લોકોએ વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd