• મંગળવાર, 22 એપ્રિલ, 2025

રતાડિયા પાસે ખાડામાં પડી જવાથી યુવાનનું કરુણ મોત

રતાડિયા, તા. 21 : મુંદરાથી ગુંદાલા થઇ રતાડિયા પરત આવી રહેલા લખપત તાલુકાના ભાદરા ગામના વતની દેવરા વંકા રબારી રતાડિયાની નદી પહેલાં રસ્તા પર પડેલા મોટા ખાડામાં પડી જવાથી મોતને ભેટયા હોવાનો કરુણ બનાવ બનતાં ગામલોકો દ્વારા ચિંતા વ્યક્ત કરતાં જાગૃત થવા અને તાત્કાલિક રસ્તાનાં સમારકામ માટેનાં પગલાં લેવાં માંગ કરાઇ હતી. રાજ્યમાં ઉદ્યોગપતિઓને રેલવે કે એરપોર્ટની સુવિધાઓ પૂરી પાડી રસ્તા સમારકામમાં કરોડોની ફાળવણી કરવામાં આવે છે, ત્યારે ગ્રામ્યકક્ષાએ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત પ્રત્યે દુર્લભ સેવ્યું હોવાથી મધ્યમવર્ગીય પરિવારનો માળો વિખેરાઇ જતાં સગા-સંબંધીઓ, સહકર્મચારીઓ તથા સમાજના લોકો દ્વારા આક્રોશ ઠાલવાયો હતો. ગુંદાલાથી રતાડિયા સુધીના ચાર કિલોમીટર જેટલા રસ્તામાં આઠ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે. જેની મરંમત માટે છેલ્લા આઠ માસથી તંત્રને રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ નિરાકરણ ન આવ્યું હોવાની ફરિયાદ કરાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રતાડિયામાં આઉટસોર્સ તરીકે હંગામી ધોરણે ફરજ બજાવતા આયાએ જર્જરિત માર્ગને કારણે દવાખાનાંમાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. આવી પડેલી અણધારી મુશ્કેલીમાં સરકાર દ્વારા પરિવારને યોગ્ય સહાય કરવા અને રતાડિયા આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી વર્ગ ચારની જગ્યા પર કાયમી ધોરણે નિમણૂક કરવા રતાડિયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા માંગ કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd