• મંગળવાર, 22 એપ્રિલ, 2025

કચ્છમાં ઉપગ્રહ લોન્ચપેડ બનવાનાં ચક્રો ગતિમાન

ગાંધીનગર, તા. 21 : ઈસરો અને પીઆરએલ જેવી અગ્રીમ અવકાશ સંશોધક સંસ્થાઓનાં ઘર સમાન ગુજરાતમાં ભવિષ્યની અવકાશમાં ઉપગ્રહો છોડવા જેવી ગતિવિધિઓ માટે લોન્ચપેડ ઊભું કરવાની વિચારણા સક્રિયપણે થઈ રહી છે. મોટા અને જાણવા જેવા સમાચાર એ છે કે, લોન્ચપેડ સ્થાપવા માટે ધોલેરા સિવાય સરકાર દેશના છેવાડાના સરહદી પ્રદેશ કચ્છને પણ લોન્ચપેડ સ્થાપવા માટે પસંદ કરી શકે છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના ચાવીરૂપ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંદેશાવ્યવહાર, અવકાશ પ્રવાસન, પૃથ્વીના નિરીક્ષણ માટેના ઉપગ્રહો સહિત વિવિધ અવકાશલક્ષી ગતિવિધિઓ માટે સરકાર કચ્છ અથવા ધોલેરામાં એક લોન્ચપેડ ઊભું કરવા માગે છે. વિવિધ સ્થળોના પ્રારંભિક મૂલ્યાંકન, અભ્યાસ બાદ સરકારને આ મહત્ત્વપૂર્ણ કવાયત માટે કચ્છ અને ધોલેરા યોગ્ય સ્થળો લાગ્યા છે. ઉપગ્રહ લોન્ચપેડ એ બેહદ ખાસ પ્રકારના ક્ષેત્ર હોય છે અને તેનું સંચાલન ભારે કડક કાયદાઓની મર્યાદા પાળીને કરાતું હોય છે, એ જોતાં રાજ્ય સરકાર લોન્ચપેડની તમામ કામગીરીઓ કેન્દ્ર સરકાર, ઈસરો અને અન્ય રાષ્ટ્રીય સીટની સંબંધીત એજન્સીઓનાં સીધા માર્ગદર્શન હેઠળ કરશે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઈન-સ્પેસ) પણ અમદાવાદમાં જ હોવાથી ગુજરાત રાજ્યમાં ઉપગ્રહ લોન્ચપેડની સુવિધા બેદહ મહત્ત્વ ધરાવે છે. લોન્ચપેડ સ્થાપવાની કવાયત ભારતીય અવકાશક્ષેત્રમાં ખાનગી સાહસોની સહભાગિતાને પ્રોત્સાહિત કરશે. `ઈન-સ્પેસ' તરફથી પણ ગુજરાત રાજ્યમાં લોન્ચપેડ ઊભું કરવાની યોજનામાં રસ બતાવાયો છે. અમે અવકાશક્ષેત્રમાં ગતિભેર થતા ઘટનાક્રમોને જોતાં લોન્ચપેડ્સ માટે નવી નવી નીતિમાં જોગવાઈ કરી છે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર લોન્ચપેડ વિકસાવવા માટે તમામ પ્રકારનો સહયોગ આપવા ઉત્સુક છે. આ પહેલ ગુજરાત રાજ્યમાં અવકાશ સંબંધિત ઉદ્યોગ જગતને વધુ ગતિ આપશે, તેવું સૂત્રોએ કહ્યું હતું. આ પહેલ માટે કચ્છની પસંદગી એ કારણે થઈ શકે છે, દરિયાકાંઠો નજીક હોવાથી રોકેટની ઉડાન સુરક્ષિત રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd