• મંગળવાર, 22 એપ્રિલ, 2025

-ને હવે સમગ્ર શિક્ષામાં ટીએડીએ કૌભાંડ

ભુજ, તા. 21 : કચ્છમાં અવારનવાર ચર્ચામાં રહેતા સમગ્ર શિક્ષામાં હવે ટીએડીએ કૌંભાડ આચરવામાં આવી રહ્યું છે તો અન્ય કર્મચારીની હોટેલનાં બિલો પણ ખોટા બની રહ્યાં હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરને કરાયેલી રજૂઆત મુજબ સમગ્ર શિક્ષામાં છેલ્લા પાંચેક વર્ષથી આઈડી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારી દ્વારા તાલુકાઓની મુલાકાતો લીધા વિના ખોટાં બિલો  ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, તો એરપોર્ટ રોડ પર હોટેલ ધરાવતા અન્ય એક કર્મચારી હોટેલે આવતાં અધિકારીઓનાં નામે ખોટાં બિલો બનાવી સમગ્ર શિક્ષામાં ઉધારવામાં આવી રહ્યાં છે. આઈડી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહેલા આ કર્મચારીને તાલુકા કક્ષાએ શાળાઓ તેમજ બીઆરસી ભવનની મુલાકાત લેવાની હોય છે, પરંતુ આ કર્મચારીએ ગત વર્ષે ભચાઉ અને રાપર તાલુકાની શાળાઓની મુલાકાત લીધા વિના જ બિલો ઉધારી નાખ્યાં છે તો દર મહિને રૂપિયા ત્રણ હજારથી 10 હજાર સુધીના ટીએડીએ અને અંગત બિલો સમગ્ર શિક્ષામાં ઉધારી ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરાયો છે. બીજીતરફ આ જ વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલો અને એરપોર્ટ રોડ પર હોટેલ ધરાવતો અન્ય એક કર્મચારી  કચેરીએ આવતાં અધિકારીઓ કરતાં વધુ સંખ્યા બતાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું અરજીમાં જણાવાયું છે. જાણકારોના મતે આ બંને કર્મચારીઓ મિલીભગત કરી સમગ્ર શિક્ષા કચેરીને ખોખલી કરી નાખી છે, જો છેલ્લા પાંચ વર્ષના હોટેલનાં બિલોની ચકાસણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવું જાણકારો કહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સમગ્ર શિક્ષાના `બોગસ હિસાબનીશ' કાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ સમિતિ નીમવાનો તેમને અધિકાર ન હોવાના બહાના હેઠળ યેનકેન પ્રકારે તેમના પાસેથી આ તપાસ છીનવી લેવાઈ હતી, ત્યારબાદ આ કૌભાંડનું શું થયું તેની કોઈ જ વિગતો બહાર આવી શકી નથી તેથી આવા કૌભાંડીઓને છાવરવામાં આવતા હોવાની છાપ લોકોમાં ઉપસી રહી હોવાનો ગણગણાટ જાગૃત નાગરિકોમાં સંભળાઈ રહ્યો છે. હવે એ જોવું રહ્યું કે, પ્રામાણિક છબી ધરાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ બાબતે તપાસ સોંપી `દૂધનું દૂધ અને પાણીનું પાણી' કરે છે કે, વળી આ પ્રકરણનું ફીંડલું વળી જશે તેવા સવાલો જાણકારો ઉઠાવી રહ્યા છે. દરમ્યાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતાં  તેમણે જણાવ્યું કે, આવી કોઈ બાબત ધ્યાનમાં આવી નથી તેમ છતાં કોઈ રજૂઆત હશે તો તપાસ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd