વકફ કાનૂનમાં સંસદે કરેલા સુધારાના વિવાદમાં સુપ્રીમ કોર્ટની
દરમિયાનગીરીથી સરકાર અને વિપક્ષને રાહત મળી છે. અલબત્ત, મુસ્લિમ પક્ષના વકીલો અને નેતાઓએ કહ્યું છે
કે, કાયદો રદ કરવાની માગણી અને કાનૂની લડત ચાલુ રહેશે. આ નેતાઓએ
જો હિંસક આંદોલન બંધ કરવાની અપીલ પણ આ સાથે કરી હોત તો વધુ યોગ્ય ગણાત. આ બધા વચ્ચે દાઉદી વ્હોરા સમાજના પ્રતિનિધિ
મંડળે ગુરુવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ તેમને અભિનંદન
આપ્યા. વ્હોરા સમાજની બહુ લાંબા સમયથી માગણી રહી છે કે, વકફ બોર્ડમાં સુધારા કરવામાં આવે. સૌનો સાથ,
સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની દૃષ્ટિનું સમર્થન કરતા વ્હોરા અગ્રણીઓએ
દેશના વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન મોદીએ જણાવ્યું
કે, હું બીજીવાર વડાપ્રધાન બન્યો ત્યારે મુસ્લિમ સમાજમાંથી મને
1700 જેટલી ફરિયાદ મળી કે અમારી
સંપત્તિ વકફ બોર્ડે લઈ લીધી છે. આ ફરિયાદીઓમાં મહિલાઓની સંખ્યા મોટી હતી. મોદીએ વધુમાં
જણાવ્યું હતું કે, વકફ કાયદામાં
ફેરફારનો વિચાર આવ્યો ત્યારે મેં સૌથી પહેલાં દાઉદી વ્હોરા સમાજના ધાર્મિક નેતા સૈયદના
મુફદ્દર સૈફુદીન સાથે ચર્ચા કરી. જૂના વકફ કાયદામાં વ્હોરા ઉપરાંત અહમદિયા સમાજને સૌથી
વધુ અન્યાય થયો છે. વડાપ્રધાને દાઉદી વ્હોરા સમાજના નવા કાયદામાંના યોગદાન પર પ્રકાશ
પાડતાં કહ્યું હતું કે, તેમનું આ કામમાં યોગદાન નાનામાં નાની
ટેકનિકલ જાણકારીથી લઈને પૂર્ણવિરામ અને અલ્પવિરામ જેવી બાબતોમાં પણ રહ્યું છે. સુપ્રીમ
કોર્ટની દરમિયાનગીરી અને સમાધાનકારી વલણની પ્રશંસા થવી જોઈએ, પણ મુખ્યત્વે કેન્દ્ર સરકાર અને સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સમયસૂચકતાથી-સામે
ચાલીને વકફ કાયદાનો અમલ મુલતવી-અથવા રોકી રાખવાની ખાતરી આપી તેના કારણે રાહત મળી છે.
આગલા દિવસે બુધવારે ન્યાયમૂર્તિઓએ કાયદાના અમલ ઉપર વચગાળાનો મનાઈહુકમ આપવાનો ગર્ભિત
ઇશારો કર્યો હતો અને બીજા જ દિવસે સોલિસિટરે સામે ચાલીને સાત દિવસ અમલ રોકવાની ખાતરી
આપી જેનો સ્વીકાર અદાલતે કર્યો. જો તુષાર મેહતાએ સમયસર આવી ખાતરી આપી હોત નહીં તો વચગાળાનો
મનાઈહુકમ ચોક્કસ થયો હોત. સરકારની `સ્વૈચ્છિક અને મર્યાદિત સમય માટે અમલ નહીં કરવાની જાહેરાતથી
સરકારના વલણમાં ભેદભાવની ભાવના નથી પણ મુસ્લિમ સમાજની ભલાઈ છે, એવો સંદેશ મળ્યો છે. અદાલત મનાઈહુકમ આપે તેના
કરતાં સરકારી પક્ષે જાતે પહેલ કરી તે મુસ્લિમ ફરિયાદ પક્ષે પણ આવકારીને પ્રતિભાવ આપ્યા
કે કોઈના વિજય હાર-જીતનો પ્રશ્ન નથી. સંવિધાનનો વિજય થયો છે-અને અમને વિશ્વાસ છે કે,
સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મળશે અને કાયદો રદ થશે.' ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત થાય છે. દૃઢ થાય છે એ સૌથી વધુ મહત્ત્વની બાબત
છે. કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મેહતા કાનૂની નિષ્ણાત હોવા સાથે વ્યવહારુ
અભિગમ ધરાવે છે. ન્યાયાધીશો વચગાળાનો મનાઈહુકમ આપવા તૈયાર હોય ત્યારે-પવન આવે ત્યારે
ઝૂકી જતાં આવડે છે. આવી સમયસૂચક કાબેલિયત એમણે દેશદ્રોહના કાનૂન તથા સંવિધાનની 370મી કલમ રદબાતલ થઈ ત્યારે પણ
દાખવી હતી. એક રાજ્ય જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત કાયમ માટે બનાવાયું નથી-પૂર્ણ રાજ્ય
બનાવવાની જાહેરાત યોગ્ય સમયે કરાશે એમ કહીને બાજી-સુધારી લીધી હતી. આવું જ આ વખતે કર્યું
છે.