નવી દિલ્હી,
તા. 21 : ભારત
અને અમેરિકાએ સોમવારે પરસ્પરને લાભદાયક દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટોમાં `મહત્ત્વપૂર્ણ પ્રગતિ'નું સ્વાગત કર્યું હતું. ચાર દિવસની ભારત મુલાકાતે આવેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
જેડી વેન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ, ઊર્જા અને
ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે વ્યાપક ચર્ચા -વિચારણા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ
વેન્સ, તેમનાં ભારતીય મૂળનાં પત્ની ઉષા ચીલુકુરી તેમજ બાળકો ઇવાન,
વિવેક અને મિરાબેલ માટે વડાપ્રધાન મોદીએ રાત્રિ ભોજન યોજ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
વેન્સને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉષ્માભરી શુભેચ્છા આપવાનું કહેતાં જણાવ્યું
હતું કે, હું ચાલુ વર્ષે ટ્રમ્પની ભારત મુલાકાત માટે ઉત્સુક છું.
મોદી અને વેન્સે રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના પરસ્પર હિતોના ક્ષેત્રીય અને વૈશ્વિક પ્રશ્નો
પર વિચારોની આપ-લે કરી હતી અને `સંવાદ
અને રાજદ્વારિતા' દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો માટે સહમતી સાધી હતી. વડાપ્રધાન
મોદીએ વેન્સ પરિવારને પોતાના આવાસનો બગીચો બતાવી બાળકોને મોરપીંછ ભેટ આાપ્યાં હતાં.
મોદી સાથે મુલાકાત બાદ દિલ્હીથી સવા નવે રવાના થઇ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સહપરિવાર
રાત્રે 10 વાગ્યે જયપુર પહોંચ્યા હતા. પોતાની
ચાર દિવસની ભારત યાત્રાએ આવેલા જેડી વેન્સનું વિમાન પાલમ એરપોર્ટે ઊતર્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અમેરિકી ઉપરાષ્ટ્રપતિને સેનાની ત્રણેય પાંખના જવાનો દ્વારા ઔપચારિક ગાર્ડ
ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં પીએમ મોદી અને વેન્સ વચ્ચે સાત લોકકલ્યાણ માર્ગ
સ્થિત આવાસે બેઠક થઈ હતી, જેમાં એનએસએ અજીત ડોભાલ અને વિદેશ મંત્રી
એસ. જયશંકર હાજર રહ્યા હતા. જેડી વેન્સ 13 વર્ષમાં
ભારતની યાત્રા કરનારા પહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ છે. આ યાત્રા વિશેષ છે, કારણ કે, છેલ્લા એક દશકમાં કોઈ પણ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
ભારતની મુલાકાતે આવ્યા નથી. જેડી વેન્સે ભારતની મુલાકાતે આવ્યા બાદ દિલ્હી અક્ષરધામ
મંદિરની મુલાકાત કરી હતી. આ દરમિયાન વેન્સ પરિવારના પહેરવેશમાં ભારતીયતા જોવા મળી હતી.
કારણ કે, ઉષા વેન્સ મૂળ ભારતીય છે. તેમનો પરિવાર આંધ્રપ્રદેશથી
અમેરિકા સ્થાયી થયો હતો. પીએમ મોદી સાથે મુલાકાત બાદ વેન્સ જયપુર અને આગરાની મુલાકાતે
રવાના થયા હતા. મંગળવારે તેઓ પ્રતિષ્ઠિત આમેર પેલેસની મુલાકાત કરવાના છે. બાદમાં રાજસ્થાન
ઈન્ટરનેશનલ સેન્ટરમાં યુએસ-ઈન્ડિયા બિઝનેસ સમિટમાં મુખ્ય ભાષણ આપશે.