• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ઉદ્યોગપતિઓને રક્ષણનું વચન

ઉદ્યોગપતિઓને ખંડણી માટે ત્રાસ આપનાર વ્યક્તિ કોઈ પણ પક્ષની હોય તેની વિરુદ્ધ `મોક્કા' કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. આ આદેશ અને ખંડણીને લઈ ઉદ્યોગપતિઓની `બોલાય નહીં અને સહેવાય પણ નહીં' એવી સ્થિતિમાં રાહત મળવાની પૂરી શક્યતા છે. મહારાષ્ટ્રની સર્વાંગી પ્રગતિમાં અવરોધ ઊભા કરતા આ દુષ્ચક્રને કચડી નાખવાનો પડકાર હવે પોલીસ સમક્ષ છે. ઉદ્યોગપતિઓ ઉપરાંત વ્યાપારીઓ અને આમજનતાને પણ આવું રક્ષણ મળવું જોઈએ. મહારાષ્ટ્રમાં ઉદ્યોગો વધે તે માટે પોષક વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી નિ:શંકપણે સરકારની જ છે, તેમાં લાલ ફીતાશાહી હટાવવી, ઉદ્યોગોને પૂરતી જગ્યા, પાયાભૂત સુવિધા, વ્યાજબી દરમાં વીજળી સાથે ભયમુક્ત વાતાવરણ પણ મહત્ત્વનું છે. આ કસોટી પર ઔદ્યોગિક વસાહતોનું ચિત્ર હાલ સંતોષકારક નથી. અહીં એ નોંધનીય છે કે, ગુજરાતમાં પણ ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને ખંડણીખોરો તરફથી હેરાનગતિની ફરિયાદો ઊઠતી રહી છે. કચ્છમિત્ર દ્વારા આયોજિત બિઝનેસ કોન્કલેવમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો તથા વ્યવસાયીઓને આહ્વાન કર્યું હતું કે, તેમની પાસે ખંડણી માગવાની ઘટનાની તંત્રને કે પોલીસને જાણ કરાશે, તો ત્વરિત પગલાં લઇને કડક કાર્યવાહી કરવામાં આવશે. ખંડણીખોરો ઉદ્યોગપતિઓને જગ્યા મેળવવામાં અવરોધ ઊભા કરે છે, ધમકાવે છે, યુનિયનના ઓથે શ્રમિકોની ઉશ્કેરણી કરે છે. કેટલાક સમય પહેલાં મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ અને ચાકણ પરિસરમાં જર્મન ઉદ્યોગે આ આતંક બંધ થાય નહીં તો છેવટનું પગલું ભરવાની ચેતવણી આપી હતી. ફરિયાદ કરો તો નામ ગુપ્ત રાખવાનું પોલીસ કહેતી હોય, છતાં આવા પ્રકરણમાં આકરી કાર્યવાહી થશે અને પોતાનું નામ ગુપ્ત રહેશે એની ખાતરી ઉદ્યોગપતિને અપાય નહીં! આવાં પ્રકરણોમાં કાર્યવાહી થઈ હોવા છતાં પણ ત્રાસ બંધ થયા નથી. માફિયાઓને મળતા રાજકીય સપોર્ટ ખરું કારણ છે. આવા અનેક માફિયા રાજકીય નેતાઓના હાથા હોવાનું દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી પરથી સ્પષ્ટ થાય છે. ઉદ્યોગોને રોજગાર પૂરી પાડતી સંસ્થા તરીકે જોવામાં આવે છે, આથી જ સરકારે ઉદ્યોગોને ભયમુક્ત બનાવવાની જરૂર છે. તત્કાલીન મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણે ઉદ્યોગોની સ્થાપના માટે કરેલા પ્રયાસ અને હજારો રોજગારીમાંથી આવેલી આર્થિક પ્રગતિ સૌ જાણે છે. તેને લઈ રાજ્યની પ્રગતિમાં ઉદ્યોગોનું સ્થાન કેટલું મહત્ત્વનું છે, તે કહેવાની જરૂર નથી, પરંતુ આ ઉદ્યોગોને સંરક્ષણ આપનારી રાજકીય-શાસકીય સંસ્કૃતિ નિર્માણ કરવી જોઈએ. સ્પષ્ટ બહુમત ધરાવતી સરકારે આ આક્ષેપો પ્રતિ રાજકીય ચશ્માંથી નહીં જોતાં પ્રગતિને આડે આવતા માફિયાઓને સંરક્ષણ આપનારા `આકા'ઓને અંકુશમાં લેવા જોઈએ. માફિયાઓના કાળા ધંધા અટકે તો જ હજારો બેરોજગાર યુવાનને કામ મળશે અને મહારાષ્ટ્રના વિકાસમાં વધુ ગતિ આવશે. એટલે જ ફડણવીસે કરેલી ઘોષણાને પોલીસનો સાથ મળશે, તો `આતા મહારાષ્ટ્ર થાંબનાર નાહીં' એવા મુખ્ય પ્રધાનના વચનને પૂરક શક્તિ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd