નવી દિલ્હી, તા.
26 : ભારતીય રેલવેની ઈ-ટિકિટની સુવિધા આપતી આઇઆરસીટીસીની ઓનલાઇન વેબસાઇટ ચાલુ મહિનામાં
બીજીવાર ઠપ્પ થઇ જતાં ગુરુવારે દેશભરના લાખો યાત્રી પરેશાન થઇ ગયા હતા. રેલવેની વેબસાઇટ
તેમજ મોબાઇલ એપ પર યાંત્રિક ખામી સર્જાઇ હતી, જેના કારણે પ્રવાસીઓ તત્કાલ ટિકિટ બુકિંગ,
ટ્રેનની માહિતી મેળવવા સહિત અન્ય ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શક્યા નહોતા. આઇઆરસીટીસીની
એપ ખોલતાં યુઝર્સને એરર મેસેજ દેખાય છે, જેના પર લખ્યું હતું કે, મેઇન્ટેનન્સની પ્રવૃત્તિનાં
કારણે કાર્યવાહીમાં અસમર્થ છે. ઓનલાઇન અવરોધો પકડતી `ડાઉન ડિટેક્ટર' સાઇટે
પણ આ યાંત્રિક ખામીથી ઠપ્પ થયેલી સેવાના સમાચારને સમર્થન આપ્યું હતું. આઇઆરસીટીસીની
ઓનલાઇન વેબસાઇટની સુવિધાઓ ઠપ્પ થવા અંગે મોટી સંખ્યામાં યાત્રિઓએ નારાજગીભેર ફરિયાદ
કરવા માંડી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીજી ડિસેમ્બરના દિવસે પણ ભારતીય રેલવેની આ
મહત્ત્વની ઓનલાઇન વેબસાઇટ ઠપ્પ થઇ ગઇ હતી. યાત્રીઓએ આઇઆરસીટીસીની સેવાની ગુણવત્તા સામે
સવાલ ઊઠાવવા માંડયા હતા અને આવી સમસ્યાઓ ટાળવા માટે નક્કર પગલાં લેવાય તેવી માંગ કરી
હતી.