અમદાવાદ, તા.
26 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં ઇસનપુર પોલીસે ટાયરના પંચર કરવા માટે વાપરવામાં
આવતી સોલ્યુશન ટ્યૂબના મોટા જથ્થા સાથે અલ્તાફ ઉર્ફે મહેબૂબ શેખની ધરપકડ કરી છે. ઘણા
લોકો આ સોલ્યુશન ટ્યૂબની ગંધનો ઉપયોગ નશો કરવા માટે કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને
65 નંગ સોલ્યુશનની ટ્યૂબ કબજે કરી છે. આગામી નવા વર્ષની ઉજવણી નશા વિના થઇ જ શકે નહીં
તેવું માનનારા લોકોમાં આજકાલ સિન્થેટીક અને સસ્તા ડ્રગની માગમાં વધારો જોવા મળી રહ્યો
છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે ઇસનપુર વિસ્તારની અમ્મા મસ્જિદ નજીકથી
અલ્તાફ ઉર્ફે મહેબૂબ શેખ (ઉં.42)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ટાયર પંચર કરવાના સોલ્યુશનમાં
વપરાતી 65 ટ્યૂબ મળી હતી. પોલીસે પૂછપરછ કરતા હકીકત ખૂલી કે નશો કરવા માટે લોકો તેની
પાસેથી આ ટ્યૂબ ખરીદવા આવતા હોય છે. આરોપી અલ્તાફે સોલ્યુશનની ટ્યૂબ રૂ.30માં ખરીદી
અને રૂ.50માં વેચી દેતો હોવાની કબૂલાત કરી છે. નવા વર્ષની ઉજવણીમાં સિન્થેટીક ડ્રગ્ઝ અને સસ્તા નશાની માગ વધતા આરોપી
સોલ્યુશન ટ્યૂબનો મોટો જથ્થો ખરીદીને લાવ્યો હતો. ઇસનપુર પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ
એક્ટ મુજબની જોગવાઈ પ્રમાણે ગુનો નોંધીને માલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ
ધરી છે. પોલીસ તપાસમાં જણાયું છે કે અલ્તાફ ઉર્ફે મહેબૂબ શેખ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં
2014થી અત્યાર સુધીમાં કુલ 60 ગુનામાં પકડાઈ ચુક્યો છે. જેમાં મારમારી, પ્રોહિબિશન,
તડીપાર સહિતના ગુનાનો સમાવેશ થાય છે.